મૃતદેહ સાથે એમ્બ્યુલન્સ પોલીસ ચોકીએ લઈ જઈ સ્વજનોની ધમાલ
એેમ્બ્યુલન્સ અઢી કલાક મોડી આવતાં દર્દીનું મોત
નાલાસોપારા પોલીસની દલીલ, એમ્બ્યુનલ્સની રાહ જોઈ બેસી કેમ રહ્યા, અન્ય વાહનમાં જતા રહેવું હતું : ધમાલને પગલે ટ્રાફિક જામ
મુંબઈ : સરકારી એમ્બ્યુલન્સ મોડી પહોંચવાને કારણે એક સિનિયર સિટિઝનનું મૃત્યુ થયું હોવાનો આરોપ કરતાં એવ્યક્તિના સંબંધીઓએ પોલીસ ચૌકીની બહાર હોબાળો મચાવી દીધો હતો. આ ઘટના બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ નાલાસોપારા-ઈસ્ટના પ્રગતિનગર પોલીસ ચૌકીની બહાર બની હતી. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
નાલાસોપારા-ઈસ્ટના પ્રગતિ નગરમાં રહેતાં શિવ સમર્થ અપાર્ટમેન્ટમાં ૫૭ વર્ષના ગોપી વિશ્વકર્મા તેમના પરિવાર સાથેરહેતા હતા. તેઓ ડાયાબિટીસથી પીડિત હતા. બુધવારે સવારે ૮ વાગ્યાની આસપાસ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. એથી તેમના પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ, એમ્બ્યુલન્સ મોડી પહોંચી હતી.એ દરમિયાન ગોપીની તબિયત વધુ લથડી ગઈ હતી. એમ્બ્યુલન્સ સવારે લગભગ સાડા દસ વાગ્યે આવી ત્યાં સુધીમાં તો તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
પરિવારના સભ્યો ઘરના વડીલના મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકીને પ્રગતિનગર પોલીસ ચૌકી પર લઈ ગયા અને ત્યાં પહોંચીને હોબાળો મચાવી દીધો હોવાથી રસ્તા પર ભારે ટ્રાફિક જેમ થઈ ગઈ હતી. પરિવારનો આરોપ છે કે ગોપી વિશ્વકર્માનું મૃત્યુ એમ્બ્યુલન્સ મોડા આવવાને કારણે થયું છે. એથી પોલીસે દરમિયાનગીરી કરીને ટોળાને શાંત પાડયું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે તેમના નિવાસસ્થાનથી સરકારી હોસ્પિટલ એક કિલોમીટર દૂર છે. પોલીસે જણાવ્યું હતુંકે, જો એમ્બ્યુલન્સ મોડી આવે તો પણતેમના પરિવારજનોએ તેમને હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષા અથવા અન્ય ખાનગી વાહનથી લઈ જવું જરૃરી હતું.