ટોરેસ સ્કેમમાં હવાલાથી 200 કરોડ ટ્રાન્સફર કરનારા અલ્પેશ ખારાની ધરપકડ
ટોરોસ કૌંભાંડમાં પોલીસ દ્વારા હવાલા ઓપરેટરને સકંજામાં લેવાયો
ટોરેસ કૌભાંડના સૂત્રધારોને દુબઈ અને યુક્રેન પૈસા પહોંચાડયા, 21મી જાન્યુઆરી સુધીના પોલીસ રિમાન્ડ
મુંબઈ - ટોરેસ કૌભાડમાં હવાલાથી ૨૦૦ કરોડ ટ્રાન્સફર કરવાના આરોપસર ૫૪ વર્ષીય હવાલા ઓપરેટર અલ્પેશ ખારાની ધરપકડ કરાઈ છે.
ધરપકડ બાદ ખારાને એમપીઆઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે તેને વધુ તપાસ માટે ૨૧ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ મામલામાં સત્તાવાળાઓ અસંખ્ય રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર છેતરપિંડીપૂર્ણ રોકાણ યોજના સાથે સંકળાયેલા મની લોન્ડરીંગમાં તેની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (ઈઓડબલ્યુ)એ કરોડો રુપિયાના ટોરેસ કૌંભાંડામાં મહત્વની ધરપકડ કરી છે. જેમાં ૨૦૦ કરોડથી વધુની વિદેશમાં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે.
૫૪ વર્ષીય અલ્પેશ ખારા આરોપી ગિરગાંવમાં હવાલાનો ધંધો સંભાળે છે. પોલીસે લાંબી પૂરપરછ બાદ તેની ધરપકડ કરી હતી. ઈઓડબલ્યુનાએ જણાવ્યું હતું કે, ખારા પ્રથમ તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરતા હતા. પરંતુ તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ કૌભાંડમાં તેમની ભૂમિકા પૃષ્ટિ કરે છે. જેમાં આરોપીએ ટોરેસ હવાલા કામગીરીને લગતા તમામ દસ્તાવેજોનો નિકાલ કર્યો હતો.
વધુમાં આરોપીએ તૌફિક રિયાઝ અને એલેક્સ વતી ગેરકાયદે નાણાં ટ્રાન્સફર કરવામાં મદદ પણ કરી હતી.તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, ખારાએ હવાલા ચેનલો દ્વારા ભંડોળ દુબઈ અને યુક્રેનનેમાં ખસેડયું હોવાનું આશંકા છે. તેથી સત્તાવાળાઓ આ ભંડોળના ચોક્કસ પ્રવાહ અને તેમના મોકલવામાં આવેલ અંતિમ સ્થાનને નિર્ધારિત કરવા માટે સંપુર્ણ રેકોર્ડનું વિશ્લેષણ કરી રહ્યા છે.
ખારાની ઓફિસની શોધ દરમિયાન ઈઓડબલ્યુ અધિકારીઓએ પુરાવા નાશ કરેલા દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો જોતા ખારાની આ કૌંભાંડમાં સક્રિય સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો.
ટોરેસ કૌભાંડમાં હવે ફરિયાદીઓની સંખ્યા વધીને હવે ૬ હજાર પર પહોંચી ગઈ છે. જેમાં કુલ છેતરપિંડી રુ. ૮૭.૬૩ કરોડથી વધુ છે. આ કૌભાંડમાં રોકાણકારોને તેમના ભંડોળ પર આકર્ષક વળતરની લાલચ આપવામાં આવી હતી. જો કે, અત્યાર સુધી ઈઓડબલ્યુ અધિકારીઓએ રુ. ૬.૭૪ કરોડની રોકડ, કંપનીના બેંક ખાતામાંથી રુ. ૧૫.૮૪ કરોડ અને રુ. ૪.૫૩ લાખની કિંમતનું સોનું તથા ચાંદી જપ્ત કર્યું છે.
તો વધુમાં આ કૌભાંડના સંદર્ભમાં રુ. ૨૭.૧૩ કરોડની કુલ જેટલી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં સત્તાવાળાઓ અન્ય ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે. તો ઓફશોર એકાઉન્ટ્સ અને હવાલા ઓપરેશન્સ સંબંધિત વધારાના લીડ્સની તપાસ કરી રહ્યા છે.