ભાગદોડના મહિના પછી અલ્લુ અર્જુન ઘાયલ કિશોરને મળવા પહોંચ્યો
પોલીસની વિનંતીને પગલે મુલાકાત ખાનગી રાખી
હોસ્પિટલ જઈ ખબર પૂછ્યા : આ ઘટનામાં કિશોરની માતાના મોત બાદ અલ્લુની ધરપકડ થઈ હતી
મુંબઈ - અલ્લુ અર્જુન હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં 'પુષ્પા ટૂ'ના પ્રિમિયરમાં થયેલી ભાગદોડના એક મહિના પછી આ દુર્ઘટનામાં ઘાયલ કિશોરને મળવા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. આ ઘટનામાં આ કિશોરની માતાનું મોત થયું હતું. પોલીસે આ ઘટના માટે તેને જવાબદાર ઠેરવી તેની ધરપકડ કરી હતી.
કડક પોલીસ સુરક્ષા વચ્ચે અભિનેતા સવારના હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને લગભગ અડધો કલાક સુધી ત્યાં રહ્યો હતો.
અલ્લુ અર્જુને ઇજા પામેલ બાળક શ્રીતેજના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. તેના પિતા સાથે પણ વાતચીત કરીને દરેક સહાયતાનું આશ્વાસન આપ્યું હતું.
પોલીસે અલ્લુ અર્જુનને હોસ્પિટલની તેની મુલાકાત ખાનગી રાખવાની સૂચના આપી હતી. સાથેસાથે અભિનેતાને એ પણ ચેતવણી આપી હતી કે હોસ્પિટલની તેની મુલાકાત દરમિયાન કોઇ પણ નકારાત્મક પરિણામ માટે તે પોતે જવાબદાર રહેશે.