અલ્લુ અર્જુન અને પુષ્પાના સર્જકો દ્વારા 2 કરોડની સહાય જાહેર
સંધ્યા થિયેટર નાસભાગ પીડિત પરિવારને વધુ સહાય
સ્ટેટ ફિલ્મ કોર્પોરેશનના સભ્યો તેલંગણા સીએમ સાથે ફિલ્મ ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સંબંધ સુધારવા મુલાકાત કરશે
મુંબઈ : પુષ્પા ટુ એક્ટર અલ્લુ અર્જુન અને ફિલ્મના સર્જકોએ ૪ ડિસેમ્બરે સંધ્યા થિયેટર ખાતે ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન થયેલી નાસભાગમાં ભોગ બનનાર મહિલાના પરિવાર માટે રૃા. બે કરોડની આર્થિક સહાયની બુધવારે જાહેરાત કરી છે. દરમ્યાન તેલંગણા સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ અને અગ્રણી પ્રોડયુસર દિલ રાજુએ જણાવ્યું કે ફિલ્મની હસ્તીઓ સરકાર અને ફિલ્મ ઉદ્યોગ વચ્ચે સ્વસ્થ સંબંધોને પ્રોત્સાહન આપવા તેલંગણના મુખ્ય મંત્રી સાથે ગુરુવારે મુલાકાત કરશે. અલ્લુ અર્જુનના પિતા અને અગ્રણી નિર્માતા અલ્લુ અરવિંદે દિલ રાજુ અને અન્યો સાથે નાસભાગમાં મૃતકના ઈજા પામેલા બાળકની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.
દિલ રાજુ અને અલ્લુ અરવિંદે જણાવ્યું કે બાળકના પરિવારને સહાય કરવા અલ્લુ અર્જુન એક કરોડ, પુષ્પા પ્રોડક્શન કંપની મીત્રી મુવી મેકર્સ પચાસ લાખ અને ફિલ્મના દિગ્દર્શક સુકુમાર પચાસ લાખની આર્થિક સહાય આપશે. અરવિંદે આ રકમના ચેક દિલ રાજુને સોંપીને તેને પરિવારને આપી દેવા વિનંતી કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે કાનૂની જોગવાઈઓને કારણે તેમને પૂર્વ મંજૂરી વિના સીધા પરિવાર સાથે સંપર્ક કરવાની મનાઈ છે.
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં ૪ ડિસેમ્બરે સંધ્યા થિયેટર ખાતે પુષ્પા ટુના પ્રીમિયર દરમ્યાન મચેલી નાસભાગમાં ૩૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેના આઠ વર્ષના પુત્રને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો.
ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારની ફરિયાદના આધારે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ તેમજ થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ થયા હતા. ૧૩ ડિસેમ્બરે અલ્લુ અર્જુનની કેસના સંદર્ભમાં ધરપકડ થઈ હતી. જો કે પછીના દિવસે ૧૪ સપ્ટેમ્બરે તેને જામીન પર છોડી મુકવામાં આવ્યો હતો.