અલ્હાબાદિયાનો ફોન બંધ, રૈનાને નિવેદન નોંધાવવા માટે 10 માર્ચ સુધીનો સમય મળ્યો
વર્સોવામાં રણવીરના ફલેટમાં તાળુ મારેલું હતુ
મુંબઈ - મુંબઈ પોલીસ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાને શોધી શકી નથી. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવે છે જ્યારે હાસ્ય કલાકાર સમય રૈનાને તેના યુટયુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓની તપાસ માટે પોલીસ સમક્ષ હાજર થવા ૧૦ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
રૈનાના યુટયુબ શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં માતા- પિતા અને સેક્સ વિશે અલ્હાબાદિયાએ કરેલી અભદ્ર ટિપ્પણીઓથી ભારે આક્રોશ ફેલાયો છે. જેના કારણે અનેક ફરિયાદો થઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે 'ખાર પોલીસ યટયુબ પર પોતાની ચેનલ માટે લોકપ્રિય અલ્હાબાદિયાનો સંપર્ક કરી શકી નથી કેમકે તેનો ફોન બંધ છે. રૈનાના વકીલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મળીને નિવેદન નોંધાવવા વધુ સમય માંગ્યો હતો. રૈના હાલ અમેરિકામાં છે.
વકીલની વિનંતી પર પોલીસે રૈનાને નિવેદન નોંધાવવા માટે તેમની સમક્ષ હાજર થવા ૧૦ માર્ચ સુધીનો સમય આપ્યો છે. અગાઉ અલ્હાબાદિયાએ ખાર પોલીસને તેના નિવાસસ્થાને તેનું નિવેદન નોંધવા વિનંતી કરી હતી પરંતુ પોલીસે તેનીવિનંતી નકારી કાઢી હતી.
પોલીસની ટીમ શુક્રવારે વર્સોવામાં આવેલા અલ્હાબાદિયાના ફલેટ પર ગઈ હતી. ત્યાં તાળું મારેલું જોવા મળ્યું હતું. ભાજપના એક કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર મુંબઈ પોલીસે માખીજા, ચંચલાની અને અલ્હાબાદિયાના મેનેજર સહિત આઠ લોકોના નિવેદનો નોંધ્યા છે.
મહારાષ્ટ્ર સાયબર વિભાગ દ્વારા આ સંબંધમાં નોંધાયેલા કેસ સંદર્ભમાં ઓછામાં ઓછી ૫૦ વ્યક્તિઓને તેમના નિવેદનો નોંધાવવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. એમાં શોમાં ભાગ લેનારા લોકોનો પણ સમાવેશ થાય છે. અભિનેતા રઘુ રામે ગુરુવારે એજન્સી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તે રૈનાના શોના જજ પેનલમાં હતો.