આલિયાની દીકરી રાહાનો ચહેરો પરદાદા રાજ કપૂર જેવો
સેલિબ્રિટી કપલે ચીલો ચાતર્યો
જોકે કેટલાક ચાહકોએ કરીનાના બાળપણના ફોટા શોધી તેની સાથે પણ સરખામણી કરી
મુંબઈ : અનેક સેલિબ્રિટી કપલે તેમનાં બાળકોના ચહેરા કેમેરા સામે નહીં દેખાડવાનું પસંદ કર્યું છે પરંતુ તેથી વિપરીત આલિયા અને રણબીરે ચીલો ચાતરી દીકરી રાહાનો ચહેરો પહેલીવાર કેમેરા સમક્ષ રજૂ કર્યો હતો. રાહાની ક્યુટનેસ પર સોશિયલ મીડિયા યૂઝર્સ ઓવારી ગયા હતા અને મોટાભાગના ચાહકોએ તે અદ્દલ પરદાદા રાજ કપૂર જેવી લાગતી હોવાનું જણાવ્યું હતું.
રાહા ગયાં વર્ષની છઠ્ઠી નવેમ્બરે જન્મી છે. હવે એક વર્ષ પછી માં-બાપે સામે ચાલીને તેને પાપારાઝી ફોટોગ્રાફર્સ સમક્ષ રજૂ કરી હતી.
સમગ્ર કપૂર પરિવાર ક્રિસમસ બ્રન્ચ નિમિત્તે એક સ્થળે એકઠો થાય છે એવી પહેલેથી કૌટુંબિક પ્રથા છે. તેના ભાગ રુપે આલિયા અને રણબીર કુણાલ કપૂરના ઘરે પહોંચ્યા હતા. ત્યારે રણબીરે સામે ચાલીને પાપારાઝીઓને કહ્યું હતું કે રાહા તમારી સમક્ષ આવી રહી છે થોડીવાર રાહ જુઓ. તે પછી આલિયા અને રાહા બંને પાપારાઝીઓ સમક્ષ ઉપસ્થિત થયા હતા.
૧૩ મહિનાની રાહા બિલકૂલ કેમેરા શાય જણાઈ ન હતી અને તેણે બહુ સહજતાથી ફોટોગ્રાફર્સને ફોટો પાડવા દીધા હતા. ફોટા પડાવતી વખતે પિતા રણબીરે તેને તેડી રાખી હતી.
રાહાના આ ફોટા ગણતરીની ક્ષણોમાં જ વાયરલ થઈ ગયા હતા. રણબીર અને આલિયાના ચાહકોએ રાહાના ચહેરો જોવા મળ્યો તેને બેસ્ટ ક્રિસમસ ગિફ્ટસ જોવા મળી હતી. ક્યુટનેસ ઓવરલોડેડ કહીને ચાહકોએ રાહાનાં ભરપૂર વખાણ કર્યાં હતાં.
જોકે, રાહા કોના જેવી દેખાય છે તે બાબતે ચાહકો જુદી જુદી છાવણીમાં વહેંચાઈ ગયા હતા. પરંતુ, મોટાભાગના ચાહકોએ કહ્યુ ંહતું કે રાહાનો ચહેરો પરદાદા રાજ કપૂર જેવો વધારે લાગે છે. ખાસ કરીને તેની બ્લૂ આંખો એકદમ રાજ કપૂર જેવી જ હોવાનું મોટાભાગના લોકોએ કહ્યું હતું. કેટલાક ચાહકો તો કરીના કપૂરના બાળપણના ફોટા શોધી લાવ્યા હતા અને તેને સરખાવીને કહ્યું હતું કે રાહા ફઈ જેવી વધારે દેખાય છે. કેટલાક ચાહકોને લાગ્યું હતું કે રાહાની ક્યૂટનેસ તેની માતા આલિયાના વારસાને આભારી છે.
અત્યાર સુધી અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓએ તેમના સંતાનના ચહેરા મીડિયા સમક્ષ રજૂ કર્યા નથી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની દીકરી વામિકાનો ચહેરો ફોટોગ્રાફર્સથી સતત છૂપાવતા રહે છે. કોઈ તેનો ફોટો લેવાનો પ્રયાસ કરે તો વિરાટ ભારે ગુસ્સે પણ થઈ જાય છે.