વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતમાં ચિંતાજનક વધારો, તત્કાળ ઉકેલ લાવોઃ હાઈકોર્ટ
ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના આપઘાત અંગે પીઆઈએલ
હાઈકોર્ટની સાફ વાતઃ વિદ્યાર્થીઓને સ્વસ્થ માહોલ પૂરો પાડવો એ યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની જવાબદારી
મુંબઇ : ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. યુનિવર્સિટીઓ સહિત સંબંધિત સત્તાધીશો આ અંગે તાકીદના પગલાં ભરે એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. આપઘાતના કિસ્સા નિવારવા તમામ કોલેજોમાં કાઉન્સેલર્સની નિયુક્તિની માંગ કરતી એક પીઆઈએલ સંદર્ભમાં હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું.
યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કેમ્પસમાં વિદ્યાર્થીને શારીરિક તથા માનસિક સ્વસ્થતા માટેનો માહોલ પૂરો પાડવા માટે બંધાયેલી છે એમ હાઈોકર્ટે જણાવ્યું હતું. આપઘાતના કિસ્સા ન સર્જાય તે માટે તમામ જરુરી પગલાં લેવાં એ યુનિવર્સિટીઓ સહિત શિક્ષણ સંસ્થાઓની ફરજમાં આવે છે એમ કોર્ટે કહ્યું હતું.
અદાલતે અરજદારને આ અરજીમાં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનને પણ પક્ષકાર તરીકે જોડવા કહ્યું હતું કે કારણ કે હવે અનેક સ્વાયત્ત કોલેજો પણ અસ્તિત્વમાં આવી ચૂકી છે.
આ અરજી સંદર્ભમાં હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ તથા ટેકનિકલ વિભાગને આગામી ત્રણ સપ્તાહમાં એફિડેવિટસ ફાઈલ કરવા જણાવ્યું હતું.
પીટિશનમાં કહેવાયું છે કે, મહારાષ્ટ્રમાં આત્મહત્યાની સંખ્યા દર વર્ષે વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે, ૨૦૧૯માં ૧૪૮૭ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી તો ૨૦૨૦માં ૧,૬૪૮ અને ૨૦૨૧માં ૧,૮૩૪ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. તેમણે એનઈપી અમલના મુંબઈ યુનિવર્સિટીના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, આ અહેવાલમાં કાઉન્સિલિંગ સિસ્ટમ ધરાવતી શૈક્ષણિક સંસ્થા બાબતે ખાસ કંઈ કહેવાયું નથી. યાચિકાકર્તાએ હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તેના થકી કૉલેજોને એવો આદેશ આપવામાં આવે કે, અપ્લાઈડ સાયકોલોજીના વિભાગમાં આત્મહત્યાથી દૂર કઈ રીતે રહેવું તે બાબતે વર્કશોપ લઈ શકાય, વિદ્યાર્થીઓની માનસિક સમસ્યાઓ બાબતે નિવારણ લાવવા દરેક કૉલેજોમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ બે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. આવી અનેક બાબતોનો સમાવેશ છે.