રાજ્યમાં બ્લડ પ્રેશર અને બિન-ચેપી રોગોમાં ચિંતાજનક વધારો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
રાજ્યમાં બ્લડ પ્રેશર અને બિન-ચેપી રોગોમાં ચિંતાજનક વધારો 1 - image


બેદરકારી અને ખરાબ જીવનશૈલીને કારણે

હાઈપરટેન્શન અને ડાયાબીટીસ વિશ્વભરમાં થતા મોતના મુખ્ય કારણ, ડોક્ટરોની નિયમિત ચકાસણીની સલાહ

મુંબઈ :  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વે અનુસાર આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નાગરિકોના આરોગ્ય બાબતે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં ૩૦ વર્ષથી વધુ વયના ૭૦ ટકા લોકો હાઈપરટેન્શનથી પીડાતા હોવાનું નિદાન થયું છે. ઉપરાંત ડાયાબીટીસ અને અન્ય બિન-ચેપી રોગોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાની જાણકારી આ સર્વેમાંથી મળી છે.

હાઈપરટેન્શન માટે ચકાસણી કરાયેલા ૩૨.૪૭ નાગરિકો પૈકી ૨૩ લાખ જણાને આ બીમારી હોવાની જાણ થઈ હતી જ્યારે વધુ ૫.૪૯ લાખને અન્ય બીમારીઓ હતી. સમગ્ર રાજ્યનો આ વ્યાપક ડાટા વર્તમાન આરોગ્ય સ્થિતિ સમજવા અને ભાવિ પગલાના માર્ગદર્શન માટે મહત્વનો છે.

અહેવાલ અનુસાર જાગતિક સ્તરે હાઈપરટેન્શનના પ્રત્યેક પાંચ કેસમાંથી ચારની સારવાર યોગ્ય રીતે નથી થતી જેના પરિણામે સંભવિતપણે ૨૦૨૩થી ૨૦૫૦ દરમ્યાન સાત કરોડથી વધુ લોકોના મોત થશે જે નિવારી શકાય એવા છે. હાઈપરટેન્શન અને ડાયાબીટીસ, બંને બિન-ચેપી રોગો વિશ્વભરમાં મોતના મુખ્ય કારણ છે.

નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હાઈપરટેન્શન છૂપુ જોખમ છે જે ઘણી વાર નિદાનમાંથી છટકી જાય છે. તેના માટે તેઓ નિયમિત બ્લડ પ્રેશર ચકાસવાની સલાહ આપે છે. ફાસ્ટ ફૂડનું સેવન, શારિરીક વ્યાયામનો અભાવ અને તણાવ જેવા જીવનશૈલીના પરિબળો હાઈપરટેન્શનના કેસોના વધારામાં પોતાનો ફાળો આપી રહ્યા છે. ડોક્ટરોના મતે ફાસ્ટફૂડમાં મીઠું વધું હોવાથી લોહીમાં પાણીનું પ્રમાણ વધે છે જેના કારણે ધમનીઓ પર વધુ દબાણ પડે છે. એવી જ રીતે ધૂમ્રપાન અથવા તમાકુના સેવનથી રક્તવાહિનીઓ સંકોચાય છે જેના કારણે લોહીનો પ્રવાહ સંકુચિત થતા ધમનીઓ પર જોર પડે છે. આથી જાગૃકતા અને રક્ષણાત્મક પગલાની જરૃરીયાત પર ભાર મુકવામાં આવ્યો છે.



Google NewsGoogle News