અક્ષય બોલીને ફરી ગયો, ફરી પાનમસાલા બ્રાન્ડની એડમાં દેખાયો
સોશિયલ કોઝ માટે ફિલ્મો બનાવવાના પોકળ દાવા
અગાઉ વિવાદ થતાં ચાહકોની માફી માગવાનું તથા એન્ડોર્સમેન્ટ ફી દાનમાં આપવાનું નાટક કર્યું હતું
મુંબઈ : અક્ષય કુમાર અગાઉ પાનમસાલા બ્રાન્ડની એડમાં દેખાયો ત્યારે ભારે વિવાદ થયો હતો. અક્ષયે પોતે આ સરોગેટ એડ સ્વીકારવામાં થાપ ખાધી છે એમ કબૂલી ચાહકોની માફી માગી હતી અને એન્ડોર્સેમેન્ટ ફી ચેરિટીમાં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ, હવે તે બોલીને ફરી ગયો છે. તે ફરી પાનમસાલા બ્રાન્ડની એડમાં દેખાવા માંડતાાં સોશિયલ મીડિયા પર લોકોએ તેના પર ભારે ફિટકાર વરસાવી છે.
આટઆટલી કમાણી છતાં પણ એક એડ છૂટતી નથી તે બદલ લોકોએ તેના પર ભારે મેણાંટોણાં વરસાવ્યા છે. અક્ષયે તાજેતરમાં જ પોતે બોક્સ ઓફિસ નહીં પરંતુ સોશિયલ કોઝ માટે ફિલ્મો બનાવી સાહસ ખેડતો હોવાની બડાશ હાંકી હતી પરંતુ આ બધી વાતો પોકળ પુરવાર થઈ છે.
શાહરુખ, અજય દેવગણ તથા અક્ષય કુમાર ત્રણેયને દર્શાવતી એડ ફરીથી પ્રસારિત થવા લાગી છે. જોકે, અક્ષય કુમારના સમર્થકો એવો બચાવ કરી રહ્યા છે કે અક્ષયે પોતે ગયાં વર્ષે આ એન્ડોર્સમેન્ટ બંધ કર્યું છે પરંતુ કાનૂની કરાર અનુસાર એકવાર તૈયાર થઈ ગયેલી એડ જેટલી વાર પ્રગટ કરવાનું નક્કી થયું હશે તેટલા સમય સુધી તો તે પ્રગટ થતી જ રહેશે. આ એડ બંધ કરવાનું અક્ષયના હાથમાં નથી. જોકે, લોકો સામે એવો વળતો સવાલ કરી રહ્યા છે કે જો એવું જ હોય તો આ એડ આટલા મહિનાઓ સુધી કેમ ગાયબ હતી અને અચાનક કેમ ફરી શરુ થઈ છે.
અગાઉ, અમિતાભે પણ એક પાનમસાલા બ્રાન્ડની સરોગેટ એડ સ્વીકારી લીધી હતી અને પછી વિવાદ થતાં પોતાને સરોગેટ એડનો મતલબ ખબર ન હતી એવો લૂલો બચાવ કર્યો હતો. તે વખતે પણ અમિતાભના ઈનકાર છતાં પણ આ એડ ધરાર પ્રસારિત થતી રહી હતી.
પાનમસાલા બ્રાન્ડની એડ કરવા બાબતે અજય દેવગણ સતત ટીકાઓનો શિકાર બન્યો છે. જોકે, એ બાબતે અજય દેવગણ નિખાલસ છે કે તેણે ક્યારેય સમાજ સેવાના કે સારી સારી વાતોના બણગા ફૂંક્યા નથી. અગાઉ વિવાદ થયો ત્યારે તેણે રોક્ડું પરખાવી દીધું હતું કે દેશમાં જે વસ્તુનું કાયદેસર વેચાણ થાય છે તેની હું એડ કરું છું તો તેમાં ખોટું શું છે.