અક્ષય શિંદનું એન્કાઉન્ટર નથી થયું, સામાન્ય માણસ પિસ્તોલ ન ચલાવી શકેઃ હાઈકોર્ટ દ્વારા ઝાટકણી
અક્ષયનું મોત ટાળી શકાય તેમ હતું, તેના મૃત્યુની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ જરુરી
રિવોલ્વર ચલાવવી સહેલી પણ પિસ્તોલ ચલાવી શકે તે માનવું કઠીનઃ પોલીસ તેને હાથ-પગ પર ગોળી કેમ ન મારી તેવો સવાલ, પોલીસ પોતાના શસ્ત્રની જાળવણીમાં બેદરકાર કેમ રહી ? અક્ષયના પરિવારની અરજી પર સુનાવણીમાં આકરું વલણ
મુંબઈ : બદલાપુર જાતીય સતામણીના કેસના આરોપી અક્ષય શિંદેને ઠાર કર્યાની ઘટનાને લઈને બોમ્બે હાઈકોર્ટે પોલીસની ભૂમિકા પર અનેક સવાલોની જડી વરસાવી હતી. આ ઘટના ટાળી શકાય તેમ હતું એમ જણાવીને બોમ્બે હાઈ કોર્ટે તેના મૃત્યુની તપાસ નિષ્પક્ષ અને ન્યાયસભર રીતે હાથ ધરવાનું જણાવ્યું છે.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે તપાસ જો યોગ્ય રીતે નહીં થાય તો અમારે યોગ્ય આદેશો આપવા પડશે. અમે પોલીસને તેમની પ્રવૃત્તિ પર શંકા નથી કરતા પણ તમામ બાબતોનો ખુલાસો થવો જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
આ ઘટના એન્કાઉન્ટર કહી શકાય નહીં
ગોળીબારની ઘટનાને એન્કાઉન્ટર કહી શકાય નહીં ંકેમ કે તેની વ્યાખ્યા જુદી છે. થાણેના મુંબ્રા બાયપાસ પર થયેલી ગોળીબારની ઘટના પર કોર્ટે સવાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસે જો શિંદેને પકડી લીધો હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત. આરોપીના પગ કે હાથ પર પહેલાં ગોળી છોડવાને બદલે માથામાં કેમ ગોળી મારી? એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.
આ તબક્કે કોઈ શંકા નિર્માણ કરતા નથી પણ પોલીસ અધિકારી પાસેથી શિંદે પિસ્તોલ આંચકીને ગોળીઓ છોડી શક્યો એ માનવું કઠીન છે. પિસ્તોલને અનલોક કરીને ગોળી છોડવી સહેલું નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે કેસ સંબંધી તમામ કાગળીયા કેસની તપાસ કરતી મહારાષ્ટ્ર સીઆઈડી તાત્કાલિક સોંપવાનો આદેશ પણ પોલીસને આપ્યો છે. હજી ફાઈલ કેમ સીઆઈડીને સોંપાઈ નથી? પુરાવાને સાચવવા જરૃરી છે. કોઈ પણ રીતના વિલંબથી શંકા અને અટકળો ઊભી થશે.
શિંદાના પિતા અન્ના શિંદેએ પોતાના પુત્રને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નખાયો છે અને કેસની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવે એવી માગણી સાથે કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. તપાસનું નિરીક્ષણ હાઈકોર્ટ દ્વારા કરવાની પણ માગણી કરાઈ હતી.
પોલીસની બેદરકારી પર સવાલ
આરોપીને એસ્કોર્ટ કરતા પોલીસ અધિકારી એવા કેવા બેદરકાર રહી શકે કે આરોપીે પોલીસની પિસ્તોલ છીનવીને ગોળીબાર કરે. આવા ગંભીર ગુનામાં આરોપીને કસ્ટડીમાં લેવાયો હોય ત્યારે શું નિયમાવલી છે? પોલીસ આટલા બેદરકાર કેમ રહી શકે? એવો સવાલ કોર્ટે કર્યો હતો. આરોપીને ઠાર કરનાર અધિકારી આવી પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું એનો અનુભવ ધરાવે છે, એવી કોર્ટે નોંધ કરી હતી.
સામાન્ય રીતે વળતો ગોળીબાર પગ કે હાથ પર કરવામાં આવે છે માથા પર કેમ કર્યો સીધો? પોલીસ અધિકારીને જાણ નહોતી કે ક્યાં ગોળી મારવી જોઈએ? કદાચ ઓચિંતી ગોળી છોડાઈ હશે પણ પહેલી પ્રતિક્રિયા આરોપીને નિશસ્ત્ર કરવાની હોવી જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
ન્યા. ચવાણે જણાવ્યું હતું કે આરોપી પોલીસની પિસ્તોલ આંચકી લે એ માનવું અઘરું છે. મે સેંકડોવાર પિસ્તોલમાંથી ગોળી છોડી છે. અનલોક કરીને ગોળીબાર કરવું અઘરું છે. આ તબક્કે અમે શંકા નથી કરતા પણ શક્યતા ચકાસી રહ્યા છીએ. રિવોલ્વર સરળ છે. કોઈ પણ ચલાવી શકે છે પણ પિસ્તોલ ચલાવવી અઘરી છે. એસ્કોર્ટ ટીમમાં થાણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ હોવાથી ઘટના ટળી શકી હોત. ચાર અધિકારીઓ વાહનમાં હતા. એક અધિકારી ભૂતકાળમાં એન્કાઉન્ટરમાં સંકળાયેલા હતા. ચાર અધિકારીઓ આરોપીને ઝડપી શકે નહીં? આરોપીને ઝડપી શક્યા નહીં એવું કેમ અમે માની લઈએ. આરોપી એવો રુષ્ટપુષ્ટ કરે મજબૂત નહોતો. તમે બધા તેને ઝડપી શક્યા હોત, એમ કોર્ટે સવાલ કર્યા હતા.
ચારેય પોલીસના સીડીઆર અને સીસીટીવી સાચવવા આદેશ
શિંદે પર ગોળીબાર દૂરથી કરાયો હતો કે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી, ગોળી સીધી જ મરાઈ હતી કે ઘસાઈને ગઈ હતી? એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.બેલાસ્ટિક એક્સપર્ટ જાણી શકશે. જખમ આરપાર થયું હતું. જો હોય તો ક્યાંથી ગોળી નીકળી હતી, એવા સવાલોની જડી કોર્ટે વરસાવી હતી. આ બધી જ વિગતો આગામી સુનાવણીમાં રજૂ કરવાની રહેશે એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે તમામ સીસીટીવી ફૂટેજ અને ચારે પોલીસ અધિકારી અને પોલીસ વાનના ડ્રાઈવરના કોલ ડેેટા રેકોર્ડ સાચવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પોલીસને મૃતકના અને ચારે પોલીસ અધિકારીના હાથના ફોરેન્સિક નમૂના લઈને ચકાસવા જણાવ્યું ચે કે પિસ્તોલના વપરાશના કોઈ નિશાન છે કે નહીં. અરજદારના વકિલો કોર્ટને જણાવ્યું હતું કે ઘટનાના દિવસે અક્ષયના માતાપિતા તેને મળ્યા હતા અને અક્ષયે પોતાને ક્યારે જામીન મળશે એમ પૂછ્યું હતું અને પૈસા પણ માગ્યા હતા. આ દર્શાવે છે કે તે આવું ગંભીર પગલું લેવાની માનસિક સ્થિતિમાં નહોતો.
દફનવિધિ માટે વ્યવસ્થા કરાશે
અક્ષયના માતાપિતા તેનો મૃતદેહ તાબામાં લેવા માગે છે પણ દફનનું સ્થળ મળતું નથી.પોલીસ સ્થાનિક ઓથોરિટીના સંપર્ક કરીને જરૃરી વ્યવસ્થા કરશે, એમ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું.
કોર્ટે ત્રીજી ઓક્ટોબર પર વધુ સુનાવણી રાખી છે ત્યાર સુધીમાં શિંદેના પિતાની સંબંધીત પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની માગણી કરતી ફરિયાદ પર પોલીસે નિર્ણય લેવાનો રહેશે.
થાણેના બદલાપુરની સ્કૂલમાં બે બાળકી પર જાતીય સતામણીના આરોપી ૨૪ વર્ષિય સફાઈકામદાર શિંદેની ૧૭ ઓગસ્ટે ધરપકડ થઈ હતી.