અક્ષયને લાગેલી ગોળી મળી કે નહિ ? પોલીસ અધિકારીનો ઈન્જરી રીપોર્ટ લાવો
અક્ષય એન્કાઉન્ટર કેસમાં ફોરેન્સિક પુરાવા અંગે હાઈકોર્ટે સવાલોની ઝડી વરસાવી
હાઈકોર્ટે તમામ ફોરેન્સિક પુરાવા એકત્ર કરી નિષ્ણાતોને તપાસવા કહ્યું, 18 નવેમ્બર સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવા નિર્દેશ
મુંબઈ : બદલાપુર સ્કૂલમાં જાતીય શોષણના કેસમાં આરોપી અક્ષય શિંદેના મૃત્યુ સંબંધી તપાસ ઝડપથી કરીને અહેવાલ ૧૮ નવેમ્બર સુધી સુપરત કરવા બોમ્બે હાઈ કોર્ટે મેજિસ્ટ્રેટને નિર્દેશ આપ્યો છે.ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણની બેન્ચે નિર્દેશ આપ્યો હતો અને કેસ સંબંધી તમામ પુરાવા એકઠા કરીને સાચવીને ફોરેન્સિક નિષ્ણાતોને તપાસવા આપવાનો પણ આદેશ આપ્યો છે.
પોલીસ સાથેના ગોળીબારમાં આરોપી ઠાર થયાની ઘટનાની તપાસમાં નક્કર ફોરેન્સિક પુરાવાને સામેલ કરવા કોર્ટે પોલીસને ભારપૂર્વક જણાવ્યું છે. કાયદામાં દરેક કસ્ટોડિયલ ડેથની તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા કરવાનું ફરજિયાત છે.
એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે જણાવ્યું હતું કે તમામ સંબંધીત દસ્તાવેજો મેજિસ્ટ્રેટ તપાસ માટે સોંપી દેવાયા છે. કોર્ટે મેજિસ્ટ્રેટને તપાસ શરૃ કરીને તમામ પક્ષકારોની બાજુ સાંભળવા જણાવ્યું છે. અહેવાલ ૧૮ નવેમ્બર પૂર્વે રજૂ કરવાનો રહેશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
પુત્રના મૃત્યુની તપાસ કોર્ટના નિરીક્ષણ હેઠળ કરવાની અક્ષયના પિતાની અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. સ્ટેટ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) કેસની તપાસ કરી રહી છે.
કોર્ટે કરેલા વેધક સવાલો
મૃતકના શરીરમાંથી ફોરેન્સિક પુરાવા એકઠા કરાયા છે કે કેમ એવો સવાલ કોર્ટે કર્યો હતો અને જણાવ્યું હતું કે દરેક ફાયરઆર્મમાં ચોક્કસ પેટર્ન હોય છે અને તેમાં છૂટેલા રજકણો પણ જુદા હોય છે. મૃતકના માથામાં રહેલા રજકણો, પોલીસની પિસ્તોલમાંથી તેણે ગોળીબાર કર્યો ત્યારે તેના હાથમાં રહેલા નિશાન એકઠા કરીને ફોરેન્સિક લેબમાં આપવા જરૃરી છે. કોર્ટે નોંધ કરી હતી કે બે જુદા જુદા ફાયરઆર્મ દ્વારા ગોળીઓ છૂટી હતી. ખાલી કારતૂસ બે જુદી પિસ્તોલની છે. દરેક ગનની ફાયરિંગ પિન જુદી હોય છે અને આ બાબત નિર્ણાયક સાબિત થઈ શકે છે કે કઈ પિસ્તાલમાં કઈ ફાયરિંગ પિન હશે.આ બાબતનો રિપોર્ટ અમને જોવો છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
આરોપીને ભેદીને ગયેલી બુલેટ મળી છે કે કેમ એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. સરાફે જણાવ્યું હતું કે બુલેટ પોલીસ વેનના છાપરાને ભેદીને ગઈ છે. નિર્જન વિસ્તારમાં કેટીલ દૂર ગઈ હશે તમને શોધી નહીં? એમ કોર્ટે સવાલ કર્યો હતો. સીઆઈડી તેની તપાસ કરશે એમ સરાફે જણાવ્યું હતું.કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે પોલીસે આરોપીને વાહનમાં પીવા માટે આપેલી પાણીની બાટલી પણ જપ્ત કરી નથી.
પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ પીવા માટે પાણી માગ્યું ત્યારે તેની હાથકડી ખોલવામાં આવી હતી અને એટલામાં તેણે પોલીસની પિસ્તોલ ખેંચીને ગોળી છોડી હતી. કોર્ટે જણાવ્યું હતંંુ કે આ મહત્ત્વનો પુરાવો છે. જેને ગોળી વાગી હતી એ પોલીસ અધિકારીના મેડિકલ રિપોર્ટ પણ કોર્ટે માગ્યા હતા. જખમ પર કોઈ નિશાન છે કે કાળા ધાબા છે એ જોવાનું જરૃરી છે. પોલીસના સાથળ પર બુલેટ આરપાર થયાના નિશાન છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.
અમને તેમનું ઈર્જરી સર્ટિફિકેટ જોવુંંં છે. બુલેટ ઈન્જરી અને ગનની બુલેટ સાથે તેને સુસંગત કરવી જરૃરી છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે અરજદારના વકિલને મીડિયા સાથે વધુ વાત નહીં કરવાની સલાહ આપી હતી. તમે જેટલા મીડિયા સામે ઓછું બોલશો એટલંં સારું છે. અમે અહીં તમામને ન્યાય કરવા બેઠા છીએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
સમગ્ર પ્રકરણમાં રાજકીય ગંધ આવે છે
અક્ષયના વકીલનો દાવોઃમારી ૮ વર્ષની પુત્રીને બળાત્કારની ધમકીે
બદલાપુરની જાતીય શોષણની ઘટનાના આરોપી અક્ષય શિંદેના વકિલ અમિત કટારનવરેએ કોર્ટની બાહર મીડિયા સમક્ષ ખળભળાટ મચાવતો દાવો કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે મારી આઠ વર્ષની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આવી રહી છે.
કોર્ટમાં જે સવાલ ઉપસ્થિત થયા છે તેના વિશે હું બોલીશ નહીં. કોર્ટે મને કેટલું અને શું બોલવું એ શીખવ્યું છે. અમને સુરક્ષા મળવી જોઈએ સંબંધી કોર્ટે આદેશ આપ્યા છે. અમને સતત ધમકી મળી રહી છે. મારી આઠ વર્ષની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આવી રહી છે, એવી આંચકાદાયક માહિતી વકિલે આપી હતી.
આ સંપૂર્ણ પ્રકરણ માં રાજકીય ગંધ આવી રહી છે. આ વિશે બોલવાનું વહેલું ગણાશે. કોર્ટ સમક્ષ આ કેસ આવ્યા બાદ બધાની ધરપકડ થઈ રહી છે અને અક્ષય શિંદેની અંતિમ યાત્રા પણ કોર્ટને લીધે થઈ શકી છે. બંને આરોપીની ધરપકડ થઈ છે. કોર્ટે ઘટનાસ્થળે જઈને પ્રસિદ્ધી માટે તપાસ કરવા બદલ શિંદેના વકિલને ખખડાવ્યા હતા.