બદલાપુરના અક્ષય શિંદેનું એન્કાઉન્ટર નકલી હોવાનું પુરવાર, 5 પોલીસકર્મી સામે હત્યાનો ગુનો નોંધાશે
અક્ષય શિંદેના કસ્ટોડિયલ ડેથની મેજિસ્ટ્રેટ તપાસનો અહેવાલ હાઈકોર્ટને સુપરત
બદલાપુર જાતીય શોષણના કેસમં પકડાયેલા અક્ષયે પિસ્તોલ છિનવી પોલીસ પર ગોળીબાર કર્યાનો દાવો ખોટોઃ પિસ્તરોલ પર તેની આંગળીઓનાં નિશાન જ નથી
પોલસે બળ પ્રયોગ કરવાની આવશ્યકતા જ ન હોવાની નોંધ, ફોરેન્સિક અહેવાલ પરથી બનાવટી એન્કાઉન્ટરમાં ઠાર કર્યાના શિંદેના પિતાના દાવામાં તથ્યઃ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કેસ નોંધી તપાસ કરવા આદેશ
મુંબઈ - બદલાપુરની શાળામાં બે બાળકીના જાતીય શોષણના કેસના આરોપી અક્ષય શિંદેના કસ્ટોડિયલ મૃત્યુ માટે પાંચ પોલીસ કર્મચારીને મેજિસ્ટ્રેટ તપાસમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ પાંચે પોલીસ સામે કેસ નોંધાઈ શકે છે.મેજિસ્ટ્રેટે સોમવારે તપાસ અહેવાલસીલ કરાયેલા કવરમાં બોમ્બે હાઈકોર્ટને સુપરત કર્યો હતો. અક્ષયના પિતા અન્ના શિંદેએ પોતાના પુત્રને બનાવટી એન્કાઉન્ટરમાં પોલીસે ઠાર કર્યો હોવાનો દાવો કરતી અરજી કરી હતી. હાઈકોર્ટ આ અરજીની સુનાવણી કરી રહી છે.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. નીલા ગોખલેની બેન્ચે અહેવાલ વાંચીને જણાવ્યું હતું કે સરકાર તપાસને આધારે કેસ નોંધવા બંધાયેલી છે અને કઈ તપાસ અજેન્સી કેસની તપાસ કરશે એ જાણવા માગ્યું હતું.
આ કેસમાં જવાબદાર ઠેરવાયેલા પોલીસ અધિકારીમાં થાણે ક્રાઈમ બ્રાંચના સંજય શિંદે, આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરે, હેડ કોન્સ્ટેબલ અભિજીત મોરે અને હરીશ તાવડે અને પોલીસ ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
બેન્ચે નોંધ કરી હતી કે કાયદા અનુસાર પાંચે પોલીસ કર્મચારી સામે એફઆઈઆર નોંધાવી જોઈએ અને તપાસ થવી જોઈએ.
મેજિસ્ટ્રેટે રિપોર્ટમાં જણાવ્યું છે કે અક્ષય શિંદે સાથે વાનમાં હાજર પાંચ પોલીસ કર્મચારી પરિસ્થિતિ હાથ ધરવા સક્ષમ હતા અનેપોલીસ અધિકારીએ વાપરેલો બળ પ્રયોગ કેટલો યોગ્ય હતો તેના પર સવાલ કર્યો છે.
રિપોર્ટમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ના અહેવાલની નોંધ લેવાઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે કોન્સ્ટેબલ પાસેથી જે પિસ્તોલ શિંદેએ છીનવી લઈને ગોળીબાર કર્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે એ પિસ્તોલ પર તેની આંગળીના નિશાન જ નથી. મૃતકના હાથે થયેલા ગોળીબારની કોઈ અવશેષ મળ્યા નહોતા. ફોેરેન્સિક અહેવાલ પરથી શિંદેના માતાપિતાના આરોપોમાં તથ્ય જણાયું હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું.
અહેવાલમાં ભવિષ્યમાં આવી સ્થિતિમાં લેવાની કાળજી અને સંભાળનો પણ ઉલ્લેખ કરાયો હોવાનું બેન્ચે જણાવ્યું હતું. મેજિસ્ટ્રેટ રિપોર્ટની નકલ સર કારી પક્ષ અને અરજજદારને સોંપવાનો પણ નિર્દેશ કોર્ટે આપ્યો છે. અમે મૂળ નકલ રાખીશું અને તમામ દસ્તાવેજો અને સાક્ષીદારોના નિવેદનો અમારી પાસે રહેશે. સરકારી પક્ષ તપાસ કરશે ત્યારે બાદમાં તેની જરૃર પડી શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
સરકારી વકિલે બે સપ્તાહમાં કોર્ટને જણાવવાનું રહેશે કે કઈ તપાસ અજેન્સી કરશે. બદલાપુરની શાળાના શૌચાલયમાં બે સગીર બાળકીના જાતીય શોષણના આરોપસર અક્ષય શિંદે (૨૪)ની ધરપકડ ઓગસ્ટ ૨૦૨૪માં ધરપકડ થઈ હતી. ૨૩ સપ્ટેમ્બરે શિંદેને તેની પત્નીએ કરેલા કેસ સંબંધે તળોજા જેલમાંથી પૂછપરછ માટે લઈ જવાતો તો ત્યારે પોલીસ સાથેના ગોળીબારમાં તેને ઠાર કરાયો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તેણે વાનમાં પોલીસની ગન છીનવીને ગોળીબાર ર્યો હતો અને વળતા ગોળીબારમાં તે ઠાર થયો હતો.
ગોળીબાર સમયે વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ અક્ષયને ઠાર કર્યો હતો, જ્યારે આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરે, બે કોન્સ્ટેબલ અને એક પોલીસ ડ્રાઈવર વાનમાં હાજર હતા. કાયદા અનુસાર પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થાય તો મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરવી પડે છે.
હાઈકોર્ટે આ કેસની સ્વેચ્છાએ દખલ લીધી હતી અને શાળામાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નિષ્ણાતોની કમિટી રચવાનો આદેશ આપ્યો હતો.
ઘટના બાદ શિક્ષણ ખાતાએ લીધેલા પગલાં અંગેની વિગત સરકારી વકિલે કોર્ટને આપી હતી. કમિટી રિપોર્ટ ૩૧ જાન્યુઆરી સધીમાં તૈયાર થશે એમ જણાવ્યું હતું.