અકોલા 42.6 ડિગ્રી સાથે દેશભરમાં હોટેસ્ટ સ્થળ બન્યું : મુંબઈમાં રાહત

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
અકોલા 42.6  ડિગ્રી સાથે દેશભરમાં હોટેસ્ટ સ્થળ બન્યું : મુંબઈમાં રાહત 1 - image


મુંબઈમાં આવતા બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

રાજ્યનાં નવ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી : ગાજવીજ, વર્ષા સાથે વોર્મ નાઇટનો વરતારો 

મુંબઇ :    મુંબઇગરાંને હમણાં ગરમીમાં ઘણી રાહત રહી છે. જ્યારે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર જાણે કે ઉકળતી ભઠ્ઠી જેવા બની રહ્યા છે. સાથોસાથ મહારાષ્ટ્રનું હવામાન પણ તોફાની બની રહ્યું છે.

હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું ગગન આછેરું વાદળિયું રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી,જ્યારે લઘુત્તમ તાપમાન ૨૫-૨૬.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે.એટલે કે મુંબઇગરાંને બપોરે ગરમી અને બફારામાં ઘણી રાહત રહેશે. 

આજે  વિદર્ભનું અકોલા ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે  સતત બીજા દિવસે  આખા ભારતનું સૌથી હોટ રહ્યું છે. ગઇકાલે ૨૭,માર્ચે પણ અકોલા ૪૨.૮ ડિગ્રી સાથે આખા ભારતનું સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું.

આજે પણ  વિદર્ભનાં નવ શહેરમાં ગરમીનો પારો ૪૧.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ નોંધાયો છે.

બીજીબાજુ હવામાન વિભાગ(નાગપુર કેન્દ્ર)ના ડેપ્યુટી  ડાયરેક્ટર જનરલ  મોહનલાલ સાહુએ ગુજરાત સમાચારને એવી માહિતી  આપી હતી કે હાલ વિદર્ભના આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર થઇ રહી છે.સાથોસાથ રાજસ્થાન અને ગુજરાત તરફથી ગરમ હવાનો વિપુલ જથ્થો પણ વિદર્ભ પર ઠલાઇ રહ્યો છે.

આવાં તોફાની કુદરતી પરિબળોની અસરથી   આવતા ૪૮ કલાક(૨૯,૩૦--માર્ચ) દરમિયાન  પુણે, સાંગલી,કોલ્હાપુર,બીડ સોલાપુર,  નાંદેડ, લાતુર, ધારાશિવ, ભંડારા,ચંદ્રપુર,વર્ધા, ગઢચિરોળી,નાગપુર વગેરે જિલ્લામાં મેઘગર્જના,વીજળીના કડાકા,તોફાની  પવનનું જબરું ત્રેખડ સર્જાય તેવાં તોફાની કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં  છે.

ઉપરાંત, આવતા બે દિવસ(૨૯,૩૦--માર્ચ) દરમિયાન અકોલા અને બુલઢાણા જિલ્લામાં હીટ વેવ(ગરમીનું મોજું)ની, જ્યારે આવતા ૨૪ કલાક દરમિયાન સાંગલી,કોલ્હાપુર,બીડ જિલ્લામાં હળવી વર્ષાનો પણ વરતારો છે. ચિંતાજનક ફેરફાર તો એ છે કે આવતા બે દિવસ(૨૯,૩૦ --માર્ચ) દરમિયાન નાંદેડમાં વોર્મ નાઇટ(રાતનું વાતાવરણ  ગરમ રહેવું)ની પણ  ચેતવણી આપવામાં આવી છે.દિવસે ગરમીનો પારો ઉંચો રહેવાથી જમીનનું તાપમાન વધી જાય. જોકે સાંજે પણ જમીન ઠંડી ન થાય અને વાતાવરણ ગરમ રહે તો  જમીનમાંથી ફેલાતી ગરમ વરાળ આખા વાતાવરણમાં ફેલાય.પરિણામે રાત ગરમ રહે.વળી, સૂર્યનાં તેજ કિરણોમાંનું રેડિયેશન(કિરણોત્સર્ગ) પણ રાતે ફેલાય.

રાત્રિ ગરમ રહેવાથી માનવ આરોગ્ય પર વિપરીત અસર થવાની શક્યતા રહે છે.પૂરતી નિદ્રા ન આવે.આંખોમાં બળતરા થાય. ભોજનની રૃચિ ન રહે અને પાચન પણ ન થાય.આવાં લક્ષણોને હવામાનશાસ્ત્રની ભાષામાં વોર્મ નાઇટ કહેવાય છે.

આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૪ અને લઘુત્તમ  તાપમાન૨૪.૩ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૩ અને લઘુત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૭ --૭૮ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં  ભેજનું પ્રમાણ ૭૮ --૭૩ ટકા રહ્યું હતું.

આજે મહારાષ્ટ્રનાં અમરાવતીમાં  મહત્તમ તાપમાન ૪૧.૬, પરભણી --૪૧.૬, વર્ધા ૪૧.૫, યવતમાળ -૪૧.૫,ચંદ્રપુર -૪૧.૨,માલેગાંવ -૪૧.૨,બ્રહ્મપુરી -૪૧.૦, સોલાપુર -૪૧.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ રહ્યું હતું.  



Google NewsGoogle News