અજિતને ભાજપના પ્રચાર સામે જ વાંધો યોગીના બટેંગે તો કટેંગેના નારાનો વિરોધ
મહારાષ્ટ્રમાં કોમી સુમેળ છે, બહારના લોકો અહીં આવી કોમેન્ટ્સ ન કરે
નવાબ મલિક માટે પ્રચાર કરી ભાજપને છંછેડયા બાદ બીજો પલિતો ચાંપ્યોઃ મહાયુતિમાં આંતરિક લડાઈની ઉદ્ધવે ઠેકડી ઉડાડી
યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે ' બટેંગે તો કટેંગેનો તેમનો નારા ફરી ે ઉચ્ચાર્યો હતો. અજિતે કહ્યું હતું કે કેટલાક લોકો બહારથી મહારાષ્ટ્રમાં પ્રચાર કરવા આવે છે ત્યારે તેમના રાજ્યની હાલત પ્રમાણે બોલે છે. પરંતુ, મહારાષ્ટ્રની સ્થિતિ અન્ય રાજ્યો જેવી નથી. અહીં લોકો સાંપ્રદાયિક સૌહાર્દમાં માને છે. મહારાષ્ટ્ર સાંપ્રદાયિક ભાગલાને સ્વીકારશે નહીં. મહારાષ્ટ્રમાં આવાં નિવેદનો આવકાર્ય નથી. મહારાષ્ટ્ર શાહુ મહારાજ, જ્યોતિબા ફુલે અને બાબાસાહેબ આંબેડકરની ધર્મનિરપેક્ષ વિચારધારાને અનુસરે છ. જોકે, અજિત પવારે યોગી આદિત્યનાથનો સીધો નામોલ્લેખ ટાળ્યો હતો. યોગી આદિત્યનાથ ગયા બુધવારે મહારાષ્ટ્રના વાશિમમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે તેમના આ ચર્ચાસ્પદ નારાને દોહરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું શિવાજી મહારાજ પરથી પ્રેરણા લઉં છું. તમને લોકોને અપીલ કરું છું કે વિભાજિત થતા નહીં. બટેગે તો કટેંગે એ યાદ રાખજો.
મહારાષ્ટ્રમાં ભાજપ જાતિ આધારિત વસતી ગણતરી તથા મરાઠા અનામત જેવા મુદ્દા સામે હિંદુવાદને અજમાવવા માગે છે પરંતુ તેના જ સાથી પક્ષ એનસીપીના નેતા અજિત પવારે સંખ્યાબંધ બેઠકો પર લઘુમતી મતોને ધ્યાને રાખને ભાજપના પ્રચારને નકારી કાઢતાં મહાયુતિમાં વિરોધાભાસની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ અજિત પવાર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેના નિવેદનોનો વિરોધ કરી ચૂક્યા છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિમાં અંદરોઅંદર ચાલેલી આ માથાંઝીંકની મજાક ઉડાવી હતી.
તેમણે કહ્યું હતું કે અજિત પવાર યોગી આદિત્યનાથનો ખુલ્લેખુલ્લો વિરોધ કરી રહ્યા છે. મહાયુતિમાં એકતા જેવું કશું રહ્યું નથી.