મહારાષ્ટ્રમાં બિગેસ્ટ લૂઝર અજિત પવાર, બારામતી ગુમાવ્યું, એક જ બેઠક મળી
બારામતીમાં પત્ની સુનેત્રાને બહેન સુપ્રિયા સામે ન જીતાડી શકયા
કાકા સામે બળવો કરી તેમની છત્રછાયા સાથે મતદારોનો વિશ્વાસ પણ ગુમાવ્યોઃ અજિત પવારના ભાગે ચાર બેઠક આવી હતી તેમાંથી એક જ જીત્યા
મુંબઈ : મહારાષ્ટ્રમાં ખેલાયેલી સત્તાની સાઠમારીમાં કેન્દ્રની ભાજપ નેતાગીરીએ શરદ પવારના ભત્રીજા અજિત પવારને તોડી પોતાની સરકારમાં સામેલ કર્યા ત્યારે શરદ પવારની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો હતો પણ કાકા શરદ પવાર સામે બળવાખોરી કરનાર અજિતદાદાને મહારાષ્ટ્રની ત્રણ બેઠકો પર મતદારોએ જાકારો આપ્યો છે. મહારાષ્ટ્રમાં મોટા ગજાના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને બળવાખોરી કરવાના કારણે આ ચૂંટણીમાં મોટું રાજકીય નુકશાન થયું છે. અજિત પવારે રાજ્યના રાજકારણમાં કાકા શરદ પવારની છત્રછાયા જનહીં પણ મતદારોનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે.
એક સમયના રાષ્ટ્રીય નેતા શરદ પવાર સામે ભાજપે મોટો દાવ ખેલી તેમને નામશેષ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અજિત પવારે કાકા શરદ પવારની પડખે રહેવાને બદલે ભાજપની પડખે ચડી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનવાનું પસંદ કર્યું હતું. અજિત પવારે એનસીપીના બે ઉભાં તડાં પાડી પક્ષના નિશાન ઘડિયાળને છીનવી લઇ શરદ પવારને મોટો ઝટકો આપ્યો હતો. અજિત પવારને પડખે લઇ અગાઉ પણ મહારાષ્ટ્રમાં ભાજપે રાજ્ય સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. પણ એ સમયે જ નક્કી થઇ ગયું હતું કે અજિત પવાર સત્તા સાટે કાકા શરદ પવારને પણ દગો કરી શકે છે. ભાજપે લાગ જોઇ સોગઠી મારતાં અજિત પવારે પીઢ કાકાને હઠાવી એનસીપીના નેતા બનવાની લાયમાં પક્ષનું વિભાજન કરવાનો જુગાર ખેલ્યો હતો તેમાં તેઓ બૂરી રીતે હારી ગયા છે.
અજિત પવારે એનસીપીનું વિભાજન કરી પક્ષના નિશાન ઘડિયાળ પર કબજો જમાવી લીધો અને જુના નેતાઓ ખાસ કરીને પ્રફુલ્લ પવારને પોતાની પડખે લઇ કાકા શરદ પવારને નુકશાન પહોંચાડયું હતું.
પણ મહારાષ્ટ્રમાં ખેલાયેલી આ લોકસભાની ષટ્કોણીય ચૂંટણીમાં શિવસેનાના બે તડાં અને એનસીપીના બે તડાં અને ભાજપ તથા કોંગ્રેસ એમ કુલ છ પક્ષો ૪૮ બેઠકો માટે મેદાને પડયા હતા. જેમાંથી એનસીપી, શિવસેના-ઉબાઠા અને કોંગ્રેસ વચ્ચે યુતિ થતાં ભાજપ-શિવસેના શિંદે અને અજિતપવારના એનસીપી ગઠબંધન વચ્ચે લોકશભાની ૪૮ બેઠકો વહેંચાઇ ગઇ હતી. જેમાં અજીત પવારના ભાગે ગણીને ચાર બેઠકો આવી હતી જેમાં એક બારામતીની બેઠકમાં તેઓ એનસીપી સામે અન અન્ય ત્રણ બેઠકો પર તેઓ શિવસેના સામે મેદાને પડયા હતા.
જોકે, ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે અજિત પવારનો એનસીપીના બળવાખોર નેતા તરીકે કરૃણ રકાસ થયો છે. તેઓ બારામતીની બેઠક પર સુપ્રિયા સૂળે સામે પત્ની સુનેત્રા પવારને પણ જીતાડી શક્યા નથી તો બાકીની બે બેઠકો પર પણ તેમના ઉમેદવારો શિવસેના સામે હારી ગયા છે. માત્ર એક રાયગઢની બેઠક પર શિવસેનાના અનંત ગીતેને હરાવી સુનીલ તટકરે વિજયી બન્યા છે. જો આ એક બેઠક ન મળી હોત તો અજિત પવારના નામ સામે ચોકડી મુકાઇ જાત પણ સુનીલ તટકરેએ રાયગઢની બેઠક પર વિજય મેળવી અજિત પવારની લાજ રાખી લીધી છે.