અજિત પવારે પોલીસની 3 એકર જમીનની હરાજી કરી? પૂર્વ કમિશનર દ્વારા પુસ્તકમાં કરાયો મોટો દાવો
પૂર્વ આઈપીએસ અધિકારી અને પૂણેના પૂર્વ પોલીસ કમિશનર મીરા બોરવંકરે તેમના પુસ્તક 'મેડમ કમિશનર' માં દાવો કર્યો છે
જોકે પુસ્તકમાં અજિત પવારના નામનો સીધો ઉલ્લેખ નથી કરાયો પરંતુ દાદા તરીકે સંદર્ભિત કરાયા
પૂર્વ આઈપીએસ અધિકારી અને પૂણેના પૂર્વ પોલીસ કમિશનર મીરા બોરવંકરે (Meera Borwankar) તેમના પુસ્તક 'મેડમ કમિશનર' (madam commissioner) માં દાવો કર્યો છે કે પૂણેના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ગાર્ડિયન મંત્રી (District Guardian Minister) અને હવે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) પોલીસની માલિકી હેઠળની અત્યંત કિંમતી ત્રણ એકર જમીન એક ખાનગી પક્ષને હરાજી કરીને વેચી દીધી હતી.
મીરા બોરવંકરે મૂક્યો મોટો આરોપ
મીરા બોરવંકરે આરોપ મૂક્યો કે આ નિર્ણય સંરક્ષણ મંત્રી દ્વારા લેવાયો હતો અને તત્કાલીન વિભાગના કમિશનર દ્વારા તેના પર નજર રખાઈ હતી. જોકે આકરા સંઘર્ષ બાદ બોરવંકરે જમીન પાછી મેળવવામાં સફળતા મેળવી પરંતુ અજિત પવારે તત્કાલીન ગૃહમંત્રી આર.આર.પાટિલ વિરુદ્ધ અનેક નિવેદન આપ્યા હતા.
પાટિલ બોરવંકરના સપોર્ટર હતા
અહીં ધ્યાન આપવા જેવું એ છે કે બોરંવકરે પુસ્તકમાં લખ્યું છે કે તત્કાલીન ગૃહમંત્રી આર.આર. પાટિલ બોરવંકરની નીતિઓને સમર્થન આપતા હતા પણ આ વખતે તેમણે ઈનકાર કરી દીધો હતો કેમ કે તેમના હાથ બંધાયેલા હતા કેમ કે ડિસ્ટ્રિક્ટ ગાર્ડિયન મંત્રી અજિત પવાર વધારે શક્તિશાળી હતા અને તેમને પોતાના કામ માટે ના સાંભળવાનું પસંદ નહોતું. તેમણે લખ્યું છે કે કિંમતી સરકારી જમીનને ખાનગી માલિકને સોંપવામાં કૌભાંડ તો થયું જ પણ તેમાં રાજનેતાઓ અને નૌકરશાહોને પણ મોટી લાંચ અપાઈ હતી.
પુસ્તકમાં અજિત પવારનું સીધી રીતે નામ નથી લેવાયું
આ પુસ્તક અનુસાર 2010માં પૂણેના યરવડામાં જ્યાં શહેરની સેન્ટ્રલ જેલ છે ત્યાં પૂણે પોલીસની કિંમત જમીન તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ગાર્ડિયન મંત્રી અજિત પવારના આદેશ પર હરાજી કરાઈ હતી. જ્યારે બોરવંકરને મંત્રીએ જમીન સોંપવા બોલાવ્યા તો તેમણે ઈનકાર કરી દીધો કેમ કે તેમને લાગ્યું કે આ પોલીસના ઉપયોગ અને પોલીસ કર્મચારીઓના આવાસ માટે જરૂરી છે. બોરવંકરે તેમના પુસ્તકમાં જિલ્લા મંત્રીના નામનો ઉલ્લેખ નથી કર્યો પણ તેમને દાદા તરીકે સંદર્ભિત કર્યા છે.