ઐશ્વર્યાનો જોધા અકબરનો કોશ્ચ્યૂમ ઓસ્કર મ્યુઝિયમના પ્રદર્શનમાં
આ કોશ્ચ્યુમને ફેશન વિરાસત ગણાવાયો
નીતા લુલ્લાએ બારીક એમ્બ્રોઈડરી વર્ક સાથે આ લહેંગો વેડિંગ સીન માટે ડિઝાઈન કર્યો હતો
મુંબઈ : ઓસ્કર એકેડમીના મ્યુઝિયમ દ્વારા યોજાયેલાં પ્રદર્શનમાં ઐશ્વર્યા રાયે 'જોધા અકબર' ફિલ્મમાં રાણી જોધા તરીકે પહેરેલા વેડિંગ લહેંગાને સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્કર દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ લહેંગાને પ્રદર્શનમાં સ્થન અપાવાની જાહેરાત કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે નીતા લુલ્લાએ માત્ર એક ફિલ્મી કોશ્ચ્યુમ જ નહિ પરંતુ ફેશન વિશ્વ માટે એક અમૂલ્ય વિરાસતનું સર્જન કર્યું છે.
આ લહેંગો એકદમ ચળકદાર જરદૌષી એમ્બ્રોઈડરી વર્ક ધરાવે છે. તેના પર રત્નોથી મોર ટાંકવામાં આવ્યા છે. ભારતના સદીઓ જૂના વસ્ત્ર કસબની એક યાદ રુપે તે ડિઝાઈન કરાયો છે. ઓસ્કરે ફિલ્મના જે સીનમાં ઐશ્વર્યાએ આ લહેંગો ધારણ કર્યો છે તેની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.