ખોટા કેસમાં ધરપકડની બીક બતાવી એર હોસ્ટેટ સાથે 10 લાખની ઠગાઈ
ક્લ્યાણમાં રહેતી એર હોસ્ટેટ સાથે છેતરપિંડી
ઈરાનમાં પાર્સલ મોકલ્યું હોવાનું અને મની લોન્ડરીંગ કેસમાં નામ આવ્યું હોવાની ધમકી આપી
મુંબઈ - ક્લ્યાણ પશ્ચિમમાં ૨૪ વર્ષીય એર હોસ્ટેસ સાથે મની લોન્ડરીંગ માટે ધરપકડના નામે ૧૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
કલ્યાણમાં પશ્ચિમમાં રહેતી ૨૪ વર્ષીય એર હોસ્ટેસને ૨૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ તેના મોબાઈલ નંબર પર એક અજાણ્યા ફોન નંબર પરથી ફોન કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે પીડીતાને જણાવ્યું હતું કે, તેના દ્વારા મોકલવામાં આવેલ પાર્સલ ઈરાનમાં તેના ગંતવ્ય સ્થાને પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે.
જ્યારે પીડીતાએ ફોન કરનારને જણાવ્યું હતું કે તેણે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી. ત્યારે ફોન કરનારે તેને સોશિયલ મિડીયા એપ સ્કાયપ એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. એપ ડાઉનલોડ કરતા સાયબર ઠગે મહિલાને વિડીયો કોલ દ્વારા સંપર્ક કર્યો હતો.
આ બાદ સાયબર ઠગે પીડીતાને જણાવ્યું હતું કે તેનું નામ મની લોન્ડરીંગ કેસમાં સંડોવાયેલ છે. તેથી તેની ધરપકડ કરવામાં આવી શકે છે. જોકે, પીડીતાએ જણાવ્યું હતું કે હું આવા કોઈ મની લોન્ડરીંગ કેસ વિશે જાણતી નથી. તેથી સાયબર ઠગે તપાસ માટે પીડીતાને તેના મોબાઈલ નંબર પર બેંક એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું.
આ બાદ ફોન કરનારે તેના મોબાઈલ નંબર પર અમુક લિંક્સ મોકલી હતી અને જો ધરપકડથી બચવું હોય તો સાયબર ઠગ દ્વારા આપવામાં આવેલ બેંક ખાતામાં રુ. ૯.૯૮ લાખ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું ં હતું.
ગભરાયેલ પીડીતાએ સાયબર ઠગ દ્વારા આપવામાં આવેલ બેંક ખાતામાં રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મિડીયા પર આ અંગે વાંચતા પીડીતાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.