નાસિકથી દાગીનાં ચોરનારાં અમદાવાદના ભાઈ-બહેન ઝડપાયા
- આધેડ ભાઈબહેન પર દેવું થઈ ગયું હતું
- મહારાષ્ટ્રના પુણે તથા સોલાપુર સહિતનાં શહેરોમાં પણ દાગીનાની ચોરીના ગુનાઓમાં સંડોવણી
મુંબઇ : ઝવેરીની દુકાનમાં ઘૂસી હાથચાલાકીથી સોનાના દાગીનાની ચોરી કરનારા ગુજરાતના ભાઇ-બહેનની નાસિક પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી આશરે રૂા.સાડા પાંચ લાખની કિંમતનું સાડા છ તોલા સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કરજ થઇ જતા બંને ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અમદાવાદના ચંદ્રકાંત વિનોદભાઇ પરમાર (ઉ.વ.૫૫) અને તેની બહેન પૂનમ કમલેશ શર્મા (ઉ.વ.૫૭)ને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે.
નાસિક રોડ ખાતે એક મોટા ઝવેરીની દુકાનમાંથી ગત ૧૭ ડિસેમ્બરના સાડા ત્રણ તોલા સોનાની બે બંગડીઓ ચોરી કરવામાં આવી હતી.
આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉપનગર પોલીસે બંને આરોપીને તેમના વર્ણનના આધારે ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં તેમણે ચોરીની કબૂલાત કરી હતી.
બીજી તરફ સોલાપુરના બજાર પોલીસ સ્ટેશન, પુણેના સહકારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મોડસ ઓપરેન્ડીથી દાગીનાની ચોરી કરી હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું.
તેમની પાસેથી ચોરીના રૂા.૫.૩૦ લાખના દાગીના મળી આવ્યા હતા. ગુજરાતમાં દેવું થઇ જતા તેમણે મહારાષ્ટ્રમાં ચોરી કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ ભાઇ-બહેન આ પ્રકારના અન્ય કોઇ ગુનામાં સામેલ છે કે કેમ એની તપાસ થઇ રહી છે.