છૂટાછેડા વખતે પતિ-પત્ની વચ્ચે થયેલો કરાર પુત્રને લાગુ ન પડે
છૂટાછેડા બાદ ભરણપોષણની સામટી રકમ પર વિવાદ
પુત્ર માટે અલગથી માસિક ભરણપોષણ માગતાં પતિએ કરેલો વિરોધ હાઈકોર્ટે ફગાવ્યો
મુંબઈ : છૂટાછેડા અને ભરણપોષણ સંબંધે પતિ-પત્ની વચ્ચે થયેલા કરાર તેમના પુત્રને લાગુ કરી શકાય નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે એક કેસમાં ચુકાદો આપ્યો હતો. પુત્રને મંજૂર કરાયેલી માસિક રૃ. ચાર હજારની રકમ પણ કોર્ટે કાયમ રાખી હતી.
કેસમા ંપતિ અને પત્નીએ તેમનો વિવાદ પરસ્પર સંમતિથી ઉકેલ્યો હતો. પત્નીને રૃ.૨.૫૦ લાખનું ભરણપોષણ આપીને પતિને છૂટાછેડા લીધા હતા. ભવિષ્ટમાં ભરણપોષણની રકમ માગશે નહીં, એવી ખાતરી પણ તેણે આપી હતી. તેને ૧૧ વર્ષનો પુત્ર છે. તે પુત્ર પત્ની સાથે રહે છે. પુત્રને પતિ પાસેથી ભરણપોષણ લેવા ભંડારા ફેમિલી કોર્ટેમાં અરજી કરવામાં અવાતાં ૨૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ચાર હજારની રકમ મંજૂર થઈ હતી.
પતિએ હાઈ કોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે પતિ પુત્રને નામે વધારાની રકમ પડાવી રહી છે. કરાર અનુસાર તે આમ કરી શકે નહીં, એવો દાવો કર્યો હતો. હાઈ કોર્ટે દાવો તથ્યહિન ગણાવ્યો હતો. સંબંધીત કરારનું પાલન કરવાનું પતિ પત્નીને બંધનકારક છે. તે કરાર પુત્રને લાગુ કરી શકાય નહીં. આથી પત્નીને પુત્રનું ભરણપોષણ માગતા અટકાવી શકાય નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.
પતિની માસિક આવક રૃ. ૪૨ હજાર છે. આથી કોર્ટે વિવિધ જરૃરિયાતને ધ્યાનમાં રાખીને પુત્રનું ભરણપોષણ નકકી કર્યું હતું.