બ્યૂટીફિકેશનના નામે ઉજાડવામાં આવતા બાગોને બચાવવા માટે બાંદરામાં આંદોલન
પહેલાં બાંદરા ફોર્ટ ગાર્ડન પછી હવે મહેબૂબ સ્ટુડિયો પર કરવત
પાલિકા માટે વિકાસ એટલે માત્ર મોલ્સ, ઈમારત અને હાઈવે; બધે કૉંક્રિટાઈઝેશન થતો હોવાનો દાવો; સ્થાનિકોએ અધિકારીને પત્ર લખ્યો
મુંબઈ : બાંદરા ફોર્ટ ગાર્ડન બાદ હવે બાંદરા (પશ્ચિમ)ના રહેવાસીઓએ સૌંદર્યીકરણના નામે મહેબૂબ સ્ટુડિયો ચોકના વૃક્ષો કપાતાં બચાવવા લડત શરુ કરી છે. આવી ચળવળોના ભાગ રુપે સ્થાનિકો વિવિધ ગાર્ડન્સની મુલાકાત લઈ રહ્યાં છે અને તેના વિકાસ અને વિસ્તાર માટે જરુરી સુધારાઓની યાદી બનાવી મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલવાનું શરુ કર્યું છે.
ગયા અઠવાડિયે બાંદરાના વિવિધ નાગરિકો અને પર્યાવરણીય કાર્યકરોએ પાલિકાને ૧૭મી સદીના હેરિટેજ બાંદરા ફોર્ટ ગાર્ડનમાં કોંક્રિટાઈઝેશન અને ઘટતી હરિયાળીને મુદ્દે પત્ર લખ્યો હતો. નાગરિકોએ બગીચાનો જૂનો હેરિટેજ દેખાવ જાળવી રાખવા તેમના અવલોકનો અને માગણીઓ સૂચિબદ્ધ કર્યા હતાં.
હેરિટેજ ઉદ્યાનને બચાવવાની હાકલ બાદ નાગરિકોએ હવે તેમનું ધ્યાન મધુકર કુલકર્ણી ઉદ્યાન તરફ વાળ્યું છે, જે સામાન્ય રીતે મહેબૂબ ચોક તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે. નાગરિકોએ સંપૂર્ણપણે ઉગેલાં વૃક્ષોને કાપી ઘાસ અને ઝાડીઓને દૂર કરી કૉંક્રિટ સ્ટ્રક્ચર વધારવાના વિચારનો વિરોધ કર્યો છે.
૧૩૦ લોકોના સમર્થન પામેલા એક પત્રમાં પાલિકાને સ્થાનિકોએ લખ્યું છે કે, તેણે પાર્કનું કદ ઘટાડવાને બદલે ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો કરવા અને ગેરકાયદે પાર્કિંગ પર દંડ વસૂલવાનું શરુ કરવું જોઈએ.
આ સંદર્ભે ઝુંબેશમાં સહભાગી એક સ્થાનિકે જણાવ્યું હતું કે, બ્યુટીફિકેશનના નામે પાલિકા બધે જ કૉંક્રિટાઈઝેશન કરવાના બહાના શોધી રહી છે. આવું આખા શહેરમાં થઈ રહ્યું છે. તેમનું માનવું છે કે, વિકાસ એટલે માત્ર હાઈવે, ઈમારતો અને મોલ્સ. જોકે આવી માનસિકતા બદલવાના અને શહેરમાં હરિયાળી જાળવી રાખવાના અમારા પ્રયાસો છે.