Get The App

પર્યટકોના બેફામ વર્તનને કારણે ભંડારધારામાંથી આગિયાઓ ગાયબ થશે

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
પર્યટકોના બેફામ વર્તનને કારણે ભંડારધારામાંથી આગિયાઓ ગાયબ થશે 1 - image


પર્યાવરણવાદીઓની ફાયરફ્લાય ફેસ્ટિવલ્સ બંધ કરવાની માગણી 

જંગલમાં પિકનિક મનાવવા જતા પર્યટકો આગિયાઓને કચડી નાખે છે, અર્જુન-બહેડાના વૃક્ષોને નુકસાન થતાં આગિયાઓએ રહેઠાણ પણ ગુમાવ્યું

કજવા મહોત્સવ યોજવાની પહેલ કરનારા પર્યાવરણ પ્રેમીએ જ ભારે હૈયે આ મહોત્સવ બંધ કરવાની જાહેરાત કરી

મુંબઇ :  મહારાષ્ટ્રમાં ભંડારધારા વિસ્તારમાં જુન મહિનાના પ્રથમ અઠવાડિયામાં હજારો પર્યટકોએ મોટાપાયે ધસારો કરતાં તેમના સંખ્યાબંધ વાહનોની લાઇટના આકરાં પ્રકાશથી ત્રાસી આગિયાઓએ આ વિસ્તારમાંથી હિજરત કરતાં પર્યાવરણવાદીઓએ ભંડારધારા, અકોલા, અહમદનગર, નાસિક અને કોલ્હાપુરમાં ભારે લોકપ્રિય બનેલાં ફાયરફ્લાય ફેસ્ટિવલ્સ એટલે કે કજવા મહોત્સવ બંધ કરવાની માંગણી કરી છે. આ વર્ષે હરિશ્ચન્દ્રગઢ, ભંડારધારા, કળસુબાઇ અને ઘાટઘર અભયારણ્યમાં  ૨૫ મેથી ૧૫ જુન દરમ્યાન અંદાજે ૩૫,૦૦૦ પર્યટકો ઉમટી પડતાં તેમના બેફામ વર્તનને કારણે આગિયાના અસ્તિત્વ માટે જરૃરી કુદરતી વાતાવરણ ડહોળાઇ ગયું હતું અને તેમની પર્યટક પ્રવૃત્તિઓને કારણે અર્જુન અને બહેડાના વૃક્ષોને નુકશાન થયું હતું. જે આગિયાના અસ્તિત્વ માટે ખૂબ મહત્વના હોય છે. 

મુંબઇગરાંઓ છાશવારે આવી પર્યટક પ્રવૃત્તિઓ કરવા માટે નજીકના સ્થળો પર ઉમટી પડે છે. ૨૦૧૨માં આવી શહેરી પલટનને કુદરતી ચમત્કારોથી વાકેફ કરવા અંબરિષ મોરે નામના પર્યાવરણ પ્રેમીએ કજવા મહોત્સવ યોજવાની શરૃઆત કરી હતી. પણ આ વર્ષે પર્યટકોના બેફામ વર્તનથી ત્રાસી તેમણે આવતાં વર્ષથી કજવા મહોત્સવો યોજવાનું બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. મોરેએ જણાવ્યું હતું કે પર્યટકોના બેફામ વર્તનને કારણે આગિયાઓને અને તેમના વસવાટના સ્થળોને નુકસાન થઇ રહ્યું છે. 

આગિયાના વસવાટના સ્થળોએ માનવ પ્રવૃત્તિઓ વધવાને કારણે  અર્જુન અને બહેડાના વૃક્ષોનો ઘાણ નીકળી ગયો છે જે આગિયાના વસવાટ માટે અત્યંત જરૃરી હોય છે. મોરેએ વધુમાં જણાવ્યું હતું કે બીજી મોટી સમસ્યા એ છે કે પર્યટકો  હવે કોઇ દેખરેખ વિના જંગલના અંતરિયાળ વિસ્તારોમાં ભટકવા માંડયા હોઇ તેઓ તેમના પગ નીચે  નારી આગિયાઓને કચડી નાંખે છે. આ નારી આગિયાઓ પંખહીન હોવાથી તે જમીન પર જ જીવે છ ે અને ઉડી શકતાં નથી. આ નારી આગિયાઓ  જંગલમાં ઇંડાઓ મુકતાં હોય છે. પણ અજાણ પર્યટકો અજાણતા આ નારી આગિયાઓને તેમના પગ નીચે કચડી નાંખીને આગિયાઓની ભાવિ પેઢીનો નાશ કરી રહ્યા છે. પર્યટકો કજવાને પકડતાં હોય છે અને ડીજે વગાડી જંગલના વાતાવરણનું સંતુલન ખોરવી નાંખે છે. સ્થાનિક આદિવાસીઓને રોજગાર મળે તે માટે મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ વિભાગ સાથે કરાર કરી આ વિસ્તારોમાં એક દાયકાથી કજવા મહોત્સવ યોજતાં અંબરિષ મોરેએ પર્યટકોના બેફામ વર્તનની પર્યાવરણ પર પડી રહેલી વિપરીત અસરથી ત્રસ્ત થઇ કજવા મહોત્સવ યોજવાનું બંધ કરવાનો   નિર્ણય લીધો  છે. ભંડારધારા અભયારણ્યમાં પક્ષીઓની ૧૩૦ કરતાં વધારે જાતિઓ તથા જંગલી પ્રાણીઓની ૮૧૬ કરતાં વધારે જાતિઓ વસવાટ કરે છે. પર્યટકોની બેરોકટોક અવરજવર અને તેમના બેફામ વર્તનને કારણે આ જીવો પર મોટું જોખમ સર્જાયું છે. 

ભંડારધારાના સહાયક વનસંરક્ષક દત્તાત્રેય પડવલે આ સમસ્યા વકરી હોવાનું સ્વીકારી જણાવ્યું હતું કે આવતાં વર્ષથી અમે આ સમસ્યા નિવારવા માટે ઓનલાઇન બુકિંગ કરી પર્યટકોની સંખ્યા મર્યાદિત રાખવાની યોજના ઘડી છે. અવાજ અને પ્રદૂષણ ઘટાડવા માત્ર વીજવાહનોને જ પ્રવેશ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ કજવા મહોત્સવ શરૃ કરનાર મોરેએ આવતાં વર્ષથી આ મહોત્સવ ન યોજવાનું નક્કી કર્યું  છે પણ અન્ય લોકો નાણાકીય લાભ મેળવવા માટે તે યોજવાનું ચાલુ રાખશે ત્યાં સુધી પર્યાવરણ પર જોખમ ઝળુંબતું રહેશે.  



Google NewsGoogle News