અરબી સમુદ્રમાં શંકાસ્પદ ચીની સ્પાય શિપ્સની સંખ્યા વધતાં એજન્સીઓ સતર્ક
ભારતની સમુદ્ર સીમાની સમીપ જ મોટી સંખ્યામાં ચીનનાં વહાણો દેખાયાં
માછીમારીના બહાને સમુદ્રી જાસૂસી માટે ચીન બદનામઃ જોકે, ચીનના પ્રવક્તાએ ઘૂસણખોરીના આરોપો ફગાવ્યા
મુંબઇ : અરબી સમુદ્રમાં ચીનના વહાણોની સંખ્યા વધતાં તેમના દ્વારા જાસૂસીની શંકાએ ભારતીય એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ભારતના ઇકોનોમિક ઝોનની હદ જ્યાં પુરી થાય છે ત્યાંથી ૨૦૦ નોટિકલ માઇલ્સના અંતરે ગુજરાત અને મુંબઇના અરબી સમુદ્રમાં ચીની જહાજો મોટી સંખ્યામાં હિલચાલ કરી રહ્યાં છે. તેને પગલે નૌકાદળ, કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓ સતર્ક થઈ રહી છે અને આ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર શરૃઆતમાં આ જહાજોની સંખ્યા ઓછી હતી પણ હવે તે વધીને દોઢસો જેટલી થઇ ગઇ છે. નાની બોટ હોય તો તે કરાચીમાં બળતણ પૂરાવ્યા વિના લાંબા અંતરનો પ્રવાસ ખેડી શકે નહીં. આ નાના ચીની જહાજો જાસૂસી કરવાના કામમાં પણ લેવાતાં હોવાના અહેવાલો છે. ચીન મચ્છીમારીમાં વપરાતાં નાના જહાજોનો જાસૂસી કરવા માટ ઉપયોગ કરવા માટે નામચીન છે. આ જહાજો સબમરીનના લોકેશન્સ અને ભારતીય બંદરો પર થતી પ્રવૃત્તિઓ વિશેનો ડેટા એકત્ર કરી શકે તેવા સક્ષમ હોય છે.
સાઉથ ચાઇના સીની જેમ ગ્રે ઝોનમાં ચીન તેની ગતિવિધિઓ વધારે તો તેને પહોંચી વળવા માટે વેસ્ટર્ન નેવલ કમાન્ડ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સમુદ્રી નિષ્ણાતોએ ઓળખી પાડયા અનુસાર મોટાભાગના ચીની જહાજો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ઓફ્સ ઓફ ફોરિન એસેટ્સ કંન્ટ્રોલ-ઓએફએસી-ની પ્રતિબંધિત યાદીમાં તથા ગ્રીનપીસના વોચ લિસ્ટમાં હોવાનું જણાયું છે.
ભારતે યુનાઇટેડ નેશન્સમાં અરબી સમુદ્રમાં આવેલાં તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન-ઇઇ ઝેડ-ને વર્તમાન ૨૦૦ નોટિકલ માઇલ્સથી વધારીને ૫૦૦ નોટિકલ માઇલ્સની કરવા માટે પિટિશન કરી છે. ચીનની ગ્રે ઝોન પોલિસીને કારણે પશ્ચિમના દરિયાકાંઠે ભારતીય અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષાને મોટો ખતરો છે.
જો કે,ચીનના નવી દિલ્હીમાં આવેલાં રાજદૂતવાસના અધિકારીઓએ ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં કોઇ ઘૂસણખોરી થઇ હોવાનું નકારી કાઢી જણાવ્યું હતું કે ચીનને બદનામ કરવાના હેતુથી આ પ્રકારના તરકટી અહેવાલોને ચગાવવામાં આવે છે. ભારત તરફથીઅમને કોઇ પ્રકારની ફરિયાદ મળી નથી.