પોક્સો કેસમાં પીડિતા પુખ્તતાને આરે હોય તો જ વય ટેસ્ટ થાયઃ કોર્ટ
જન્મટીપની સજા પામેલા આરોપીએ કરેલી અપીલ ફગાવાઈ
14 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં પિતાની જુબાની વયને પુરવાર કરવા પુરતી હોવાની હાઈકોર્ટની નોંધ
મુંબઈ : પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ ૨૦૧૨ હેઠળના કેસમાં પીડિતા જો પુખ્ત થવાની અણીએ હોય તો જ તેની વય નક્કી કરવા બોન ઓસિફિકેશન ટેસ્ટ કરવાની જરૃર પડે છે, એમ બોમ્બે હાઈ કોર્ટે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું.
૧૪ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સામે આરોપીની અપીલને ફગાવીને ઔરંગાબાદ બેન્ચે નોંધ્યું હતું કે પીડતાની વય તેના પિતાની જુબાની પરથી પુરવાર થાય છે.
પુખ્ત થવાને હજી ચાર વર્ષનો સમય બાકી હોય ત્યારેે બાળકી સગીર નથી એવું કહી શકાય નહીં. પુત્રીની જન્મ તારીખથી વાકેફ પિતાની જુબાની મહત્ત્વની ઠરે છે અને આથી આ કેસમાં સરકારી પક્ષે પીડિતાની વય પુરવાર કરી છે. સ્કૂલ કે પાલિકા ઓથોરિટીએ કોઈ બર્થ સર્ટિફિકેટ જારી કર્યું નહોય અને ઓસિફિકેશન ટેસ્ટ કરાઈ નહોય તેમ છતાં કોર્ટે પિતાની જુબાનીને આધારે સગીરાની વયને ધ્યાનમાં રાખી છે.
સરકારી પક્ષની વિગત અનુસાર બાળકી તેના સંબંધીના ઘરે ધાર્મિક વિધિ માટે ગઈ હતી ત્યારે આરોપી સુનિલ સાબળે નજીકમાં તેની આન્ટી સાથે રહેતો હતો અને પીડિતાને સાથે લઈ જઈને તેની સાથે જાતીય અત્યાચાર કરીને તેને ધમકાવી હતી. આ ઘટના ૨૩ ઓગસ્ટ ૨૦૧૫ના રોજની છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને બહાલ રાખીને આરોપીની અપીલ ફગાવી દીધી હતી.