પોલીસ જવાનનું ગળું કપાયા બાદ ચાઈનીઝ માંજો વેચનારા સહિત ત્રણ ઝડપાયા
નાઇલોનનો માંજો જોખમી હોવાથી પ્રતિબંધ મૂકાયો છે
માંજો વેચનારા વેપારી ઉપરાંત તેનાથી પતંગ ઉડાડનારા બે ભાઈઓની પણ ધરપકડ
મુંબઇ: મુંબઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ નાયલોનનો પતંગનો માંજો ઉપયોગમાં લેનાર અને તેનું વેચાણ કરનાર દુકાનદાર સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. રવિવારે મુંબઇ પોલીસના એક કોન્સ્ટેબલ સમીર જાધવ (૩૭)નું વાકોલાના બ્રિજ પરથી પસાર થતી વખતે ચાઇનીઝ માંજાથી ગળું કપાઇ જવાથી મોત થયા બાદ પોલીસે પ્રતિબંધિત નાયલોનનો ચાઇનીઝ માંજો વેચતા અને તેનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી આદરી છે. આ કાર્યવાહી હેઠળ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે પકડાયેલામાં બે ભાઇઓ મહેશ કેતકર અને મનોજ કેતકરનો તેમજ માંજો વેચનાર દુકાનદાર અહેમદ હુસેન કાઝી (૬૬)નો સમાવેશ થાય છે.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર રવિવારે સમીર જાધવ નામના મુંબઇ પોલીસ દળના જવાનનું માંજાથી ગળું કપાઇ જવાથી મોત થયા બાદ પોલીસે પ્રતિબંધિત માંજો વેચતા અને તેનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી આદરી હતી. આ કાર્યવાહી દરમિયાન બાંદરા (ઇ)ના ફૂટ ઓવર બ્રિજ પાસે મહેશ અને મનોજ કેતકર પતંગ ઉડાડતા જોવા મળ્યા હતા. આ બન્નેએ પતંગ ઉડાડવા પ્રતિબંધિત ચાઇનીઝ માંજાનો ઉપયોગ કર્યો હોવાથી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. આ બન્નેની ધરપકડ બાદ આ બન્ને ભાઇઓને આ પ્રતિબંધિત માંજો વેચનાર દુકાનદાર અહેમદ હુસૈન કાઝી (૬૬)ની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે પોલીસે આઇપીસીની કલમ ૩૩૬ (માનવજીવ ન તેમજ અન્યની સુરક્ષાને જોખમમાં મુકતુ કૃત્ય) હેઠળ ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મુંબઇ પોલીસનો કોન્સ્ટેબલ જાધવ રવિવારે દિંડોશી પોલીસ મથકમાં ફરજ બજાવી તેના ઘરે વરલી જઇ રહ્યો હતો ત્યારે વાકોલા ફલાયઓવર પાસે નાયલોન માંજો ગળામાં ફસાઇ જવાથી તેમનું ગળુ કપાઇ ગયું હતું અને ભારે રક્તસ્ત્રાવને લીધે સાયન હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ ખેરવાડી પોલીસે અજાણ્યા આરોપીઓ સામે બેદરકારી (આઇપીસી ૩૦૪-એ) હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
સરકારે આ વર્ષની શરૂઆતમાં નાયલોન અથવા ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂક્યો હતો. નાયલોન માંજામાં કાચ અથવા ધાતુના ઘટક હોય છે અને આ માંજો પક્ષીઓ અને માનવો માટે જીવલેણ પૂરવાર થઇ શકે છે. મૃત કોન્સ્ટેબલને માંજાને કારણે ગળામાં થયેલો ચીરો તીક્ષ્ણ છરી વડે થાય તેવો ઉંડો ઘા થયો જે જીવલેણ પૂરવાર થયો હતો.
પ્રતિબંધિત નાયલોન માંજા બાબતે પોલીસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું
વેપારી સંગઠનોનો સંપર્ક કરી દુકાનદારોને આવા માંજા વેચવાથી દૂર રહેવાની તાકિદ કરી
મુંબઇ: પ્રતિબંધિત નાયલોન માંજાને લીધે કોન્સ્ટેબલ જાધવનું ગળું કપાઇ જવાથી મોત થયા બાદ પોલીસે આ વાતને ગંભીરતાથી લઇ આવા માંજા વેચતા અને ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી આરંભી છે. આ સંદર્ભે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષના માર્ચ મહિનામાં જ પોલીસે ચાઇનીઝ ડોર અથવા ચાઇનીઝ માંજાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ માંજાની ઘાતકતાને લીધો આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં આ માંજાને લીધે લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ ઘટના બાદ મુંબઇના ઘણા પોલીસ સ્ટેશનોએ આ બાબતે જાગૃતિ અભિયાન હાથ ધરી વિવિધ વેપારી સંગઠનોનો સંપર્ક કરી દુકાનદોરોને આવા માંજાના વેચાણથી દૂર તાકિદ કરી છે.