લિંક કે મેસેજ બાદ પેમેન્ટ આપતાં પહેલાં ફોન કરીને ખાતરી કરી લો
સ્વજનો -પરિચિતોને નામે ખોટા મેસેજ આવી શકે
પોતાની અંગત માહિતી અથવા ફોટો શેર નહીં કરવા સાયબર સિક્યુરિટીની ગાઈડલાઇન
મુંબઇ : સાઇબર ઠગો કોઇ વ્યક્તિની બનાવટી પ્રોફાઇલ બનાવીને તેમને ભોગ બનાવી શકે છે તે અંગે કેન્દ્ર સરકારની એજન્સીએ એલર્ટ જાહેર કરી છે. સાઇબર સિક્યુરિટી સુદઢ કરવા ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (આઇસીઆઇઆરટી) સાઇબર સિક્યુરિટી ક્ષેત્રે કાર્યરત નોડલ એજન્સી છે. સાઇબર ઠગો કોઇ વ્યક્તિના પરિવાર અને મિત્રવર્તુળના નામ અને ફોટોનો ઉપયોગ કરી બનાવટી પ્રોફાઇલ તૈયાર કરી નાણા મેળવે છે તેવી ચેતવણી આઇસીઇઆરટી (અથવા સીઇઆરટી-ઇન)એ આપી છે.
એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ લિન્ક અથવા અજાણ્યા લોકો પાસેથી ચેટ અથવા પોસ્ટ દ્વારા મળેલા એપ ડાઉનલોડ કરવાથી બચવું જોઇએ. બેંકની અને સોશિયલ મીડિયા એકાઉન્ટ વિગતો કૌભાંડીને મળી જવાની સંભાવના છે.
સોશિયલ મીડિયા અકાઉન્ટ મેસેજ અથવા ઇમેઇલ દ્વારા મળેલી નાણા મોકલવાની વિનંતીઓની ખરાઇની પુષ્ટિ કરવી જરૃરી છે. કોઇને પેમેન્ટ આપવું હોય તો જે તે વ્યક્તિને સીધો ફોન કરી જાણી લેવું જોઇએ તેવું સીઇઆરટી-ઇનની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે. અંગત માહિતી ઓનલાઇન શેર કરવી જોઇએ નહીં. પેમેન્ટ આપવા ધમકીભર્યા ફોન આવે અથવા નાણાં તાત્કાલિક મોકલી આપો તેવી વિનંતી રઘવાયા બનીને સ્વીકારવી નહીં. તમારા ઓનલાઇન અકાઉન્ટમાં ઘાલમેલ થઇ હોય તો પાસવર્ડ બદલી કાઢવા અને સંબંધિત એજન્સીને જાણ કરવી જરૃરી છે.
સીઇઆરટી-ઇનએ મહિલા યુઝર્સની સલામતી માટે ગાઇડલાઇન્સ બહાર પાડી છે. મહિલાઓએ પોતાની અંગત અને સંવેદનશીલ માહિતી ઓનલાઇન શેર કરવી નહીં. કોઇ મહિલાને કોઇ હેરાન કરે તો આવું કરનારાને બ્લોક કરી દેવો જોઇએ અને તેને રિપોર્ટ કરવો જોઇએ મહિલાઓએ પોતાના ફોટા ઓનલાઇન શેર કરવામાં કાળજી રાખવી જોઇએ.