હાઈકોર્ટના રેડ સિગ્નલ બાદ વિપક્ષોએે આજનું બંધનું એલાન પાછું ખેંચ્યું
જનજીવન ખોરવાશે, 2004માં જ આવાં એલાનને ગેરબંધારણીય ગણાવાયું છે : હાઈકોર્ટ
હાઈકોર્ટના ચુકાદા બાદ શરદ પવારે બંધનું એલાન પાછું ખેંચવા સલાહ આપી, ઉદ્ધવે કહ્યું , ચુકાદો સ્વીકાય નહિ છતાં તેનો અમલ કરશું, આજે કાળી પટ્ટી ધારણ કરીને જ વિરોધ
મુંબઈ, : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આવતીકાલે વિપક્ષોએ આપેલાં બંધના એલાનના કારણે ઉચાટનું વાતાવરણ પ્રસર્યું હતું પરંતુ હવે આ બંધનું એલાન પાછું ખેંચી લેવાયું છે. બંધના એલાન વિરુદ્ધ થયેલી અરજીઓની સુનાવણી કરતાં બોમ્બે હાઈકોર્ટે આજે આ બંધના એલાનને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યાં હતાં અને કોઈપણ વ્યક્તિ કે પક્ષને આવાં એલાનોથી દૂર રહેવા જણાવ્યું હતું. તેને પગલે શરદ પવારની સલાહ બાદ ઉદ્ધવ ઠાકરેએ બંધનું એલાન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, ઉદ્ધવે કહ્યું હતું કે તેમને હાઈકોર્ટનો ચુકાદો સ્વીકાર્ય નથી પરંતુ તેમ છતાં પણ તેઓ તેને શિરોમાન્ય કરી આવતીકાલનું એલાન પાછું ખેંચે છે. અગાઉ દિવસ દરમિયાન ઉદ્ધવે બપોરે બે વાગ્યા સુધી જ બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ મોડી સાંજે તો બંધનું એલાન સમૂળગું પાછું ખેચી લેવાતાં હવે શનિવારે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્માં ટ્રેનો, બસો, બજારો ચાલુ રહેશે અને જનજીવન રાબેતા મુજબનું જ રહેશે તે સુનિશ્ચિત થયું છે.
મુંબઈ નજીકના બદલાપુરમાં નર્સરીમાં ભણતી બે બાળકીઓ પર સફાઈ સેવક યુવક દ્વારા અત્યાચાર સામે ગયા મંગળવારે બદલાપુરમાં રેલ રોકો આંદોલન થયું હતું. તે પછી રાજ્ય સરકારે ૫૦૦થી વધુ આંદોલનકારીઓ પર કેસ દાખલ કરી ધરપકડનો દોર શરુ કર્યો હતો. શરદ પવારનાં વડપણ હેઠળની એનસીપી, ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેના તથા કોંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડીએ બદલાપુરની ઘટના સંદર્ભે જનજાગૃતિ તથા પોલીસની નિષ્ફળતાના વિરોધમાં શનિવારે બંધનું એલાન આપ્યું હતું.
આજે સવાર સુધી મહાવિકાસ આઘાડી બંધના એલાન બાબતે મક્કમ હતી અને ઉદ્ધવ ઠાકરેએ લોકોના રોષની અભિવ્યક્તિ માટે બંધનું એલાન અપાયું હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉદ્ધવે બપોરના બે વાગ્યા સુધી જ બંધ રહેશે તેવું જાહેર કરતાં આખા દિવસનો બંધ હવે અડધા દિવસ પૂરતો જ મર્યાદિત હોવાનું નક્કી થયું હતું.
જોકે, મોડી સાંજ સુધીમાં ચિત્ર પલ્ટાઈ ગયું હતું. હાઈકોર્ટમાં આ બંધના એલાનને અટકાવવાની માગણી સાથે થયેલી અરજીઓના સંદર્ભમાં હાઈકોર્ટે બંધને ગેરકાયદેસર જાહેર કરતાં આખરે વિપક્ષે હથિયાર હેઠાં મૂક્યાં હતાં.