મહારાષ્ટ્રમાં મહાવિજય પછી હવે મહાનાટક : સીએમપદ માટે સસ્પેન્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પછી સાથી પક્ષો સીએમપદ માટે ખટરાગ ઃ ભાજપ-શિવસેના વચ્ચે ૨૦૧૯ના નાટકનું પુનરાવર્તન
સીએમપદ માટે શિંદે અને ફડણવીસના ટેકેદારોની સામસામે મહાઆરતી અને મહાપૂજાઓ,
288માંથી 132 બેઠક મેળવ્યા પછી પણ ભાજપને રાહત નહીં : અજિત જૂથનું ફડણવીસને સમર્થન
બિહાર પેટર્નની જેમ મહારાષ્ટ્રમાં પણ શિંદેને જ સીએમ બનાવવા શિંદે સેનાની જાહેરમાં માગણી
ભાજપે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી કરી લીધું હોવાની ચર્ચાઓ વચ્ચે શિંદે સેનાની સાફ વાતઃ અમે કોઈનાં પણ નામ માટે સંમતિ આપી નથી
મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામોમાં ભાજપને ૨૮૮માંથી ૧૩૨ બેઠકો મળવા છતાં ૪૮ કલાક પછી પણ તે સીએમ પદની જાહેરાત ન કરી શકતાં મહાયુતિની એકતા પોકળ સાબિત થઈ રહી છે અને મહારાષ્ટ્રમાં સતત પાંચ વર્ષથી ચાલતાં રાજકીય મહાનાટકમાં નવો અંક શરુ થયો છે. ભાજપે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાનું લગભગ નક્કી જ કરી લીધું છે પરંતુ એકનાથ શિંદેએ પોતે જ સીએમ પદે ચાલુ રહે તેવી જીદ પકડતાં ભાજપના મોવડીઓ ટેન્શનમાં મૂકાયા છે. દેવેન્દ્ર ફડણવીસનું નામ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે તેવી અટકળો વચ્ચે શિંદે સેનાએ આજે સાફ સાફ કહી દીધું હતું કે અમે કોઈનાય નામ માટે મંજૂરી આપી નથી .બિહારમાં ભાજપ મોટો પક્ષ હોવા છતાં નીતિશ કુમાર રાજ્યના સીએમ છે એ જ પેટર્નનો અમલ મહારાષ્ટ્રમાં કરવામાં આવે તેવી અમારી માંગ છે. બીજી તરફ અજિત પવાર જૂથે સીએમ પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સપોર્ટ આપતાં અજિત અને શિંદે વચ્ચેનો ગજગ્રાહ પણ સપાટી પર આવી ગયો છે.
રાજ્યમાં સાદી બહુમતી માટે ૧૪૫ બેઠકોની જરુર છે. ભાજપને એકલાને જ ૨૩૨ બેઠકો મળી છે. તેના સાથે પક્ષો શિંદે સેનાને ૫૭ અને અજિત પવારની એનસીપીને ૪૧ બેઠકો મળી છે. આમ મહાયુતિ પાસે સરકાર રચવા માટે ૨૩૦ મતો સાથે બે તૃતિયાંશ બહુમતી છે. આમ છતાં પણ સીએમ પદ માટે તકરાર જામતાં મહારાષ્ટ્રની જનતા ૨૦૧૯ની જેમ જ ફરી સીઅમની ખુરશી માટે સાથી પક્ષોને બાખડતી જોઈ રહી છે.
આજે દિવસ દરમિયાન એવી ચર્ચા વહેતી થઈ હતી કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ તથા અજિત પવાર અને એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાનું લગભગ નક્કી જ છે અને ગમે ત્યારે તેની ઔપચારિક જાહેરાત થશે.
જોકે, શિંદે શિવસેનાના એક સીનિયર નેતાએ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવા અંગે અમારી સાથે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. અમારી પાર્ટી હજુ સુધી મુખ્ય પ્રધાન માટે કોઇ નામ પર સહમત નથી.
શિંદેનાં હોમગ્રાઉન્ડ થાણેના સાંસદ અને શિંદેના સૌથી નિકટવર્તી નેતાઓમાંના એક નરેશ મહસ્કેએ કહ્યું હતું કે ભાજપે બિહાર તથા હરિયાણાની પેટર્ન અપનાવવી જોઈએ. બિહારમાં ભાજપ મોટો પક્ષ છે છતાં પણ નીતિશને સીએમ બનાવાયા છે. હરિયાણામાં ભાજપ નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ચૂંટણી લડયો હતો અને તેમને જ સીએમ બનાવ્યા છે. તો પછી મહારાષ્ટ્રમાં પણ આ જ ફોર્મ્યૂલા લાગુ પાડવી જોઈએ.
શિંદે સેનાની દલીલ અનુસાર લોકોએ શિંદેને સીએમ ફેસ તરીકે વોટ આપ્યા છે. લાડકી બહિન યોજના થકી મહાયુતિને મબલખ મતો મળ્યા છે અને આ યોજના શિંદેનું જ બ્રેઈન ચાઈલ્ડ છે. ભાજપે ગઠબંધન ધર્મ અપનાવી શિંદેને જ સીએમ બનાવવા જોઈએ.
નરેશ મહસ્કએ એમ પણ કહ્યું હતું કે ભાજપ સાથી પક્ષોનો ઉપયોગ કરી તેમને ફેંકી દે છે તેવા સંજય રાઉતના આક્ષેપોનો જવાબ આપવા માટે શિંદેને સીએમ તરીકે જાહેર કરવા જોઈએ.
આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેનું કહેવું છે કે, ભાજપના કાર્યકર્તા અને સમર્થક ઇચ્છે છે કે, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્રણેય પાર્ટીના કાર્યકર્તા ઇચ્છે છે કે, પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. પરંતુ, તે અંગેનો નિર્ણય તો નેતૃત્વએ જ લેવાનો છે.
ભાજપે દિલ્હીમાં ફડણવીસ, શિંદે અને અજિત પવારને મીટિંગ માટે બોલાવ્યા હોવાનું કહેવાય છે. ફડણવીસ આજે દિલ્હી જવા રવાના થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વર્ષ ૨૦૧૪માં ફડણવીસ સી.એમ બન્યા અને પાંચ વર્ષની મુદત પૂરી કરી હતી તે સમયે ભાજપ અને અવિભાજિત શિવસેના સાથે યુતિ હતી.
વર્ષ ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી પછી ફડણવીસના નેતૃત્વ હેઠળ ભાજપે, અજિત પવાર સાથે હાથ મિલાવ્યો અને ફડણવીસ સી.એમ. અને અજીત પવારે ડેપ્યુટી સી.એમ તરીકે વહેલી સવારે શપથ લીધા હતા. પરંતુ સરકાર લગભગ ૮૦ કલા સુધી ચાલી હતી. કારણ કે અજીત તેમના કાકા અને વર્તમાન એન.સી.પી. (એસ.પી)ના વડા શરદ પવાર પાસે પાછા ફર્યા હતા.