બ્રેક અપ થતાં નારાજ પ્રેમીએ યુવતી નોકરી કરતી હતી એ દુકાન સળગાવી
વગર લેવાદેવાએ દુકાન માલિકને આગમાં જંગી નુકસાનું
પહેલી નજરે સામાન્ય આગના બનાવમાં પોલીસે સીસી કેમેરા ચેક કરતાં 19 વર્ષીય યુવક આગ ચાંપતો દેખાયો, તપાસમાં સમગ્ર ભાંડો ફૂટયો
મુંબઇ : નાગપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પ્રેમિકા સાથે બ્રેકઅપ થતા રોષે ભરાયેલા પ્રેમીએ યુવતી જ્યાં કામ કરતી હતી તે દુકાનને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં સમગ્ર દુકાન સામાન સાથે બળીને ખાખ થઇ ગઇ હતી.
નાગપુરના તહેસીલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બોહરા મસ્જિદ ગલ્લી વિસ્તારમાં આ ઘટના બની હતી. પ્રેમીએ યુવતીને પાઠ ભણાવવા આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં સ્પષ્ટ થયા બાદ પોલીસે શંકમંદ આરોપીની ધરપકડ કરી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર નાગપુર શહેરના તહેસીલ પોલીસ સ્ટેશનની હદમાં બોહરા મસ્જિદ ગલ્લી વિસ્તારમાં રિતેશ સુદામાં મખીજા સ્ટેશનરીની દુકાન ધરાવે છે. ૩૦ એપ્રિલના મખીજા રાત્રે તેમની દુકાન બંધ કરી ઘરે પાછા ફર્યા હતા. પહેલી મેના રોજ સવારે દુકાનના ઉપરના માળે રહેતા એક વ્યક્તિનો મખીજાને ફોન આવ્યો હતો કે તેમની દુકાનમાંથી ધુમાડા આવી રહ્યા છે અને અંદર આગ લાગી હોય તેવું લાગે છે. મખીજા આ વાતની જાણ ફાયરબ્રિગેજને કરી તાત્કાલિક દુકાને પહોંચી ગયા હતા. આ દરમિયાન ફાયરબ્રિગેડના જવાનોએ દોડી જઇ આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૃ કરી દીધા હતા. જો કે આગમાં દુકાન બળીને ખાખ થઇ ગઇ હતી અને અંદર રાખેલ માલ પણ આગમાં સ્વાહા થઇ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ બુઝાઇ ગયા બાદ પોલીસે પણ આગ કયા કારણસર લાગી હતી તે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને તે માટે સીસીટીવી ફૂટેજ મેળવ્યું હતું. પોલીસે ફૂટેજનું બારીકાઇથી નિરીક્ષણ કરતા વહેલી સવારના ચાર વાગ્યે શાલ પહેરીને આવેલ એક શખ્સ દુકાનના શટરને આગ લગાવતો નજરે પડયો હતો.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે મખીજાની દુકાનમાં એક યુવતી અને અન્ય બે વ્યક્તિઓ કામ કરે છે. દરમિયાન પોલીસે આ પ્રકારની વધુ તપાસ કરતા આગ લગાવનાર યુવક ઓળખાઇ ગયો તેનું નામ પ્રશાંત હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રશાંતને આ દુકાનમાં કામ કરતી યુવતી સાથે મિત્રતા હતા. જો કે પ્રશાત સતત યુવતી પર શંકા કરતો હોવાથી યુવતીએ તેની સાથેના તમામ સંપર્ક તોડી નાંખ્યા હતા. પોલીસ સૂત્રોનુસાર આ વાતથી રોષે ભરાયેલા પ્રશાંતે યુવતીને પાઠ ભણાવવા દુકાનને આગ ચાંપી દેવાનું નક્કી કર્યું હતું જેથી તેની નોકરી છૂટી જાય. જેમાં સમગ્ર દુકાન બળીને ખાખ થઇ ગઇ હતી. આ પ્રકરણે પોલીસે વધુ તપાસ હાથ ધરી પ્રશાંત ચટ્ટે (૧૯) નામના યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.