પત્નીના આગલા ઘરના બાળકને લઈ ઝઘડો થતાં પતિએ પત્નીનું કાળસ કાઢ્યું
વિરારમાં મળેલી મહિલાની ખોપડીનો ભેદ ઉકેલાયો
સુટકેસમાંથી પ. બંગાળના જ્વલેર્સના નામનું પાકીટ મળતાં આરોપી પતિનું પગેરું મળ્યું
મુંબઈ : વિરારના પિરકુંડા દર્ગા પાસે એક મહિલાની ખોપડી મળી આવી હોવાનો મામલો મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચ-૩ ની ટીમે ઉકેલી લીધો છે. પારિવારિક વિવાદને કારણે નાલાસોપારામાં રહેતા શખસે તેની પત્નીની હત્યા કરી અને તેના મૃતદેહનો નિકાલ કરવા માટે તેનું માથું કાપી નાખ્યું હતું. આ વાત બે મહિના પછી બહાર આવી છે. કેસ નોંઘ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ-૩ ની ટીમે મૃતદેહની ઓળખ કરી અને ૨૪ કલાકમાં આરોપી પતિની ધરપકડ કરી હતી.
નાલાસોપારા-ઈસ્ટના રેહમત નગરમાં રહેતા ૪૯ વર્ષના હરીશ હિપ્પરગી ઈમિટેશન જ્વેલરીનો ધંધો કરે છે. તે ૫૧ વર્ષના ઉત્પલા હિપ્પરગી અને ૨૨ વર્ષના દીકરા સાથે રહેતો હતો. ઉત્પલાને તેના પહેલા પતિથી એક પુત્ર હતો. તે મૂળ પશ્ચિમ બંગાળની હતી. બાળકને લઈને બન્ને વચ્ચે પારિવારિક ઝઘડો થયો હતો. ૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈમાં હરીશે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેના મૃતદેહને ગુણીમાં મુકીને વિરાર પૂર્વના મોહક સિટી વિસ્તાર પાસેના રેલવે ટ્રેક પર લઈ જવામાં આવ્યો હતો. સવારે ૩ વાગ્યે, તેણે કોયતા વડે તેનું ગળું કાપી નાખ્યું અને તેનું ધડ એક નાળામાં ફેંકી દીધું હતું. પછી તેનું માથું પ્રવાસી બેગમાં નાખ્યું હતું. આ બેગ લઈને તે વિરાર ફાટા પાસેના પિરકુંડા દર્ગા પાસે એકાંત સ્થળે લઈ ગયો હતો. તેણે બેગ સો મીટર દૂર ઝાડીમાં ફેકી દીધી હતી.
જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે બાળકને તેની માતા ઘર છોડીને ગામમાં જતી રહી હોવાનું જણાવ્યું હતું. તેના મૃતદેહનો નિકાલ કર્યા બાદ તેણે રાહત અનુભવી હતી. પરંતુ, ગુરુવારે હોળીની સાંજે પિરકુંડા દર્ગા પાસેથી પસાર થતા કેટલાક યુવકો ટોયલેટ માટે ઊભા રહ્યા હતા. ત્યારે તેમને તે ટ્રાવેલ બેગમાંથી એક મહિલાની ખોપડી જોવા મળી હતી. હત્યાના ૬૪ દિવસ પછી, માથું સડી ગયું અને ખોપરીમાં ફેરવાઈ ગયું હતું.
આરોપી હરિશે તેની પત્નીની હત્યા કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો. તેણે તેનું માથું ટ્રાવેલ બેગમાં નાખ્યું હતું પરંતુ અન્ય વસ્તુઓ કાઢવાનું ભૂલી ગયો હતો. આ ભૂલ તેને ભારે પડી ગઈ હતી. પોલીસને સ્થળ પરથી જ્વેલર્સની નાની થેલી મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ-૩ ની ટીમે આ બેગ અંગે પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લામાં જ્વેલરના માલિકનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્યાંથી સોનું ખરીદીને મુંબઈ ગયેલા ગ્રાહકોની યાદી મંગાવી હતી. આવી ૮ વ્યક્તિઓની યાદી મળી હતી. પોલીસે તમામને બોલાવવાનું શરૂ કર્યું હતું. તે બધાના ફોન કામ કરતા હતા, માત્ર ઉત્પલા હિપ્પરગીનો ફોન સ્વીચ ઓફ હતો. ત્યાંથી પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે તે ફોન પરથી તેના પતિ હરીશ હિપ્પરગીનો નંબર ટ્રેસ કર્યો હતો. તે પણ બંધ હતો. ત્યાર બાદ પોલીસે રેહમત નગરમાં તેનું સરનામું શોધી કાઢયું હતું. પરંતુ તે ત્યાંથી ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન, પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી, પોલીસે ઉત્પલા હિપ્પરગીના મૂળ ઘરને ટ્રેસ કર્યું હતું. પરંતુ, તે બે મહિનાથી સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી, પોલીસે તારણ કાઢયું કે જે ખોપડી મળી છે તે તેની જ હતી.
આરોપી હરિશે ઘર બદલી નાખ્યું હતું. તેથી તેને શોધવાનું મુશ્કેલ બન્યું હતું. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપીએ બાઇક ખરીદી છે. રાતોરાત, પોલીસે આ વિસ્તારમાં બાઇકની શોધ શરૂ કરી અને નાલાસોપારાના રેહમત નગરમાં એક ઈમારતની નીચે પાર્ક કરેલી બાઇક મળી આવી હતી. જે બાદ પોલીસે રાત્રે તે બિલ્ડીંગમાંથી હરીશ હિપ્પરગીની અટકાયત કરીને ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ-૩ ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. ઉત્પલા હિપ્પરગીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે નાળામાં ફેંકવામાં આવ્યો હતો અને પોલીસ તેની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચ-૩ ની ટીમે ગુનાની નોંધણી કર્યાના ૨૪ કલાકની અંદર આરોપીની ધરપકડ કરી હતી.