Get The App

મહારાષ્ટ્રમાં CMની ખુરશી પછી હવે મંત્રાલયો માટે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં CMની ખુરશી પછી હવે મંત્રાલયો માટે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ 1 - image


- માહાયુતિને ઐતિહાસિક જનાદેશના મહિના પછી પણ સરકારની રચના અધ્ધરતાલ

- ગૃહ ખાતાં માટે ભાજપનો સાફ નનૈયો, શિંદેને મહેસૂલ, શહેરી વિકાસની ઓફર, મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ : એનસીપી અગાઉનાં ખાતાંથી જ સંતુષ્ટ

મુંબઈ : વિધાનસભા પરિણામના ૧૨ દિવસે રાજ્યમાં રાજ્યમાં મુખ્યપ્રધાને શપથ લીધા હતા અને સીએમ તથા બે ડેપ્યુટી સીએમના શપથના ચાર દિવસ પછી પણ હજુ સુધી બાકીના મંત્રીઓની પસંદગી થઈ શકી નથી. ખાસ કરીને ભાજપ તથા એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખાતાં માટે ભારે ખેંચતાણ થઈ રહી છે અને તેના કારણે મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે. 

શિંદે ગૃહ ખાતાંની માંગ સાથે  જીદ કરી રહ્યા છે. પરંતુ, ભાજપ નમતું જોખવા તૈયાર નથી. ભાજપે  ભાજપે તેમને મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગમાંથી પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો છે.  ભાજપે પહેલેથી જ નાયબ મુખ્યમંત્રી અને એન.સી.પી( એ.પી)ના નેતા અજિત પવારને નાણાં અને આયોજન પોર્ટફોલિયોનું વચન આપી દીધું છે. 

સીએમ દેવેન્દ્ર  ફડણવીસે મીડિયાને જણાવ્યું હતું કે, ૧૬મી ડિસેમ્બરે શરૂ થઈ રહેલા મહારાષ્ટ્ર વિધાનસભાનું નાગપુરમાં શિયાળુ સત્ર પહેલા કેબિનેટનું વિસ્તરણ થશે.ભાજપના આંતરિક સૂત્રોના મતે  ૭ થી ૯ ડિસેમ્બરનાં ત્રણ દિવસીય વિશેષ સત્રની સમાપ્તિ પછી  કોઈપણ સમયે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. 

શિંદેએ સીએમ પદ જતું કર્યું  અને નાયબ સીએમ તરીકે સરકારમાં પણ જોડાયા તેના બદલામાં તેમને ગૃહ ખાતું મળુવં જોઈએ તેવી ડિમાન્ડ શિંદે સેનાના નેતાઓ  ગુલાબરાવ પાટીલ, સંજય શિરસાટ અને ભરત ગુગાવલે  કરી  રહ્યા છે. જોકે, ભાજપના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે  શિંદે સેનાને સાફ જણાવી દેવાયું છે કે તેમને ગૃહ ખાતું મળી શકશે નહિ. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સીએમ પદ ઉપરાંત ગૃહ ખાતું પણ પોતાના હસ્તક જ રાખવા ઈચ્છે છે. 

ફડણવીસે અગાઉ જણાવ્યું હતું કે  કે ન્દ્રમાં પીએમ અને ગૃહ મંત્રી બંને ભાજપના છે. કેન્દ્રની જેમ જ રાજ્યમાં પણ સીએમ અને ગૃહ ખાતું એક જ પક્ષ પાસે હોય તો સંકલનમાં વધારે સરળતા રહેશે. ફડણવીસ તેમના સીએમ તરીકેના કાર્યકાળમાં અને બાદમાં નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ગૃહ ખાતાંનો હવાલો ધરાવી ચૂક્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના  ૧૮ થી ૨૦ મંત્રીઓ હશે, શિવસેનાના ૧૨થી૧૪ મંત્રીઓ હશે, અને એન.સી.પી ના ૯થી ૧૧ મંત્રીઓ હશે.   મહારાષ્ટ્રમાં ૪૩ પ્રધાનો સમાવી શકાય છે. જોકે, હાલના તબક્કે આશરે ૩૦થી ૩૫ જેટલા મંત્રીઓને શપથ લેવડાવાય તેવું બની શકે છે. 

ગત મહાયુતિ સરકારમાં જે પક્ષ પાસે જે ખાતાં હતાં તે જ મોટાભાગે રિપીટ થઈ શકે છે.  ગૃહ વિભાગ ઉપરાંત, ભાજપનો  ઈરાદો ઉર્જા, જળ સંસાધનો, આદિવાસી કલ્યાણ, આવાસ, ગ્રામીણ વિકાસ, ઓબીસી કલ્યાણ અને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પોર્ટફોલિયોને જાળવી રાખવાનો છે. અગાઉની સરકારમાં પણ મહેસૂલ અને જાહેર બાંધકામ વિભાગો ભાજપ પાસે હતા.  જો શિવસેના શહેરી વિકાસ  મેળવશે તો મહેસૂલ અથવા જાહેર બાંધકામ વિભાગ ભાજપને મળશે. 

જો કે, શિવસેનાને ઉદ્યોગો, શાળા શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા અને સ્વચ્છતા, જાહેર કાર્યો (જાહેર ઉપક્રમ), લઘુમતીઓનો વિકાસ અને વક્ફ બોર્ડ વિકાસ, મરાઠી ભાષા  સંવર્ધન સહિતનાં મંત્રાલયો મળીશકે છે.  એનસીપી નાણા, સહકાર, કૃષિ, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, તેમજ ખાદ્ય અને દવા વહીવટ અને મહિલા અને બાળ કલ્યાણનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News