Get The App

ડોક્ટર દંપત્તી વચ્ચ ઝઘડો થતાં પત્નીએ ઘર સળગાવી દીધું

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ડોક્ટર દંપત્તી વચ્ચ ઝઘડો થતાં પત્નીએ ઘર સળગાવી દીધું 1 - image


ન્યૂરોજિસ્ટ પતિ અને આયુર્વેદ નિષ્ણાત પત્નીની તકરારમાં વાત વણસી

ઝઘડો શાંત પાડવા અન્ય મિત્રને ઘરે મોકલાયેલી પત્ની પાછા આવી ફલેટમાં આગ ચાંપી તાળું મારી પિયર જતી રહી

મુંબઇ :  છત્રપતિ સંભાજીનગરમાં ડોક્ટર દંપતિ વચ્ચે થયેલ વિવાદ વકરતા ડોક્ટર પત્નીએ ગુસ્સામાં ઘરને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં સંપૂર્ણ ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના બાદ ફાયરબ્રિગેડના બંબાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર સમયસર નિયંત્રણ મેળવતા પાસેના અન્ય મકાનો સલામત રહ્યા હતા. આ ઘટના બાદ ડોક્ટર પતિની ફરિયાદને આધારે પત્ની સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર છત્રપતિ સંભાજીનગરના મુકુંદવાડી વિસ્તારમાં ડો. ગોવિંદ વૈજવાડે પત્ની ડો. વીણા સાથે રહે છે. ન્યુરોલોજિસ્ટ એવા ડો. ગોવિંદના લગ્ન વીણા સાથે ૨૦૧૯માં થયા હતા. ડોક્ટર દંપત્તિ વચ્ચે રવિવારે રાત્રે અમુક મુદ્દે જોરદાર ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે વિવાદ વધુ વકરતો જોઈ તેમના મિત્રો અને પરિચીતો દોડી આવ્યા હતા અને બન્નેને છોડાવી આ પ્રકરણ શાંત પાડયું હતું. ત્યાર બાદ તેમના ડોક્ટર મિત્રોએ ડો. વીણાને ગુસ્સો ઓછો થાય તે માટે એક મિત્રની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સવારે છ વાગ્યે વીણા તેમના ફ્લેટમાં પાછા ફર્યા હતા અને ગુસ્સામાં તેમણે ઘરને આગ ચાંપી દીધી હતી. અને ઘરને તાળું મારી પીયર ચાલ્યા ગયા હતા.

ડો. ગોવિંદના ઘરેથી આગના ધુમાડા નીકળવા લાગતા પાડોશીઓએ આ વાતની જાણ ફાયર બ્રિગેડને કરતા તરત જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે આ દરમિયાન સંપૂર્ણ ઘર આગમાં ખાખ થઈ ગયું હતું. જોકે ફાયર બ્રિગેડે આગ પર સમયસર નિયંત્રણ મેળવી લેતા અન્ય ઘરો નુકસાનથી બચી ગયા હતા.

ડો. વીણાઆયુર્વેદિક ડોક્ટર છે અને એક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આ ઘટના બાદ ડો. ગોવિંદની ફરિયાદના આધારે મુકુંદવાડી પોલીસે પત્ની વીણા સામે આઇપીસીની કલમ ૪૩૫ (ઈજા પહોંચાડવાના આશયથી કૃત્ય કરવું) ૪૨૭ (ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News