Get The App

70 વર્ષે બીજાં લગ્ન બાદ પત્નીએ 3.5 કરોડનો ફલેટ વેચી માર્યો

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
70 વર્ષે બીજાં લગ્ન બાદ પત્નીએ 3.5 કરોડનો ફલેટ વેચી માર્યો 1 - image


હાલ 74 વર્ષીય ટીવી નિર્માતાની 56 વર્ષીય બીજી પત્ની સામે ફરિયાદ

મોટી ઉંમરને કારણે વૃદ્ધે કાનૂની લડત લડવા બીજી પત્નીને આપેલા પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કર્યાનો આરોપ

મુંબઇ :  મુંબઇના ૭૪ વર્ષના ટીવી સિરિયલના એક નિર્માતાને તેની ૫૬ વર્ષની બીજી પત્નીને 'પાવર ઓફ એટર્ની' આપવી ભારે પડી ગઇ હતી. આ મહિલાએ વૃદ્ધની જાણ બહાર પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી તેમનો રૃા. ૩.૫ કરોડનો ફ્લેટ વેચી માર્યો હતો અને આરકમ પોતાના ખાતામાં વાળી દીધી હતી. આ વાતની જાણ થયા બાદ વૃદ્ધ સિરિયલ નિર્માતાએ આ બાબતે પોલીસમાં એફઆઇઆર નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર નિર્માતાના આ બીજા લગ્ન છે. તેઓ તેમની પ્રથમ પત્નીથી અલગ થઇ ગયા જેનાથી તેમને બે પુત્રો હતા. ૨૦૧૭માં તેમનો એક પુત્ર મૃત્યુ પામ્યો હતો.

૨૦૧૬માં નિર્માતાની મુલાકાત રેણુ નામની એક મહિલા સાથે થઇ હતી જેણે દાવો કર્યો હતો કે તે એક એનજીઓમાં કામ કરે છે. તેઓ વચ્ચે ત્યારબાદ મિત્રતા વધી અને ૨૦૧૯માં બંનેએ લગ્ન કરી લીધા હતા. ફરિયાદીએ પોલીસને જણાવ્યા મુજબ તેમના મૃત પુત્રની પત્ની (પુત્રવધુ)એ મિલકતને લઇ હાઇકોર્ટમાં અરજી કરી હતી. વૃદ્ધ નિર્માતાને તેમની ઉંમર લઇને કાનૂની લડત લડવી અશક્ય હોવાથી તેમણે બીજી પત્નીને પાવર ઓફ એટર્ની આપી હતી જેથી તે કોર્ટમાં કેસ લડી શકે. પરંતુ તેમની બીજી પત્નીએ કથિત રીતે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો હતો અને વૃદ્ધની જાણ બહાર ફ્લેટ વેચી દીધો હતો અને રૃા. ૩.૬૧ કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ વાતની જાણ  વૃદ્ધને થતા તેઓ ચોંકી ઉઠયા હતા અને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News