અફઘાન રાજદ્વારી દ્વારા સોનાની દાણચોરીના કેસમાં 4 જવેલર્સની ધરપકડ
આ સિન્ડિકેટે 4 મહિનામાં 300 કિલો સોનાની દાણચોરી કરી હોવાનો દાવો
વૈભવ ઠાકરે, સાહિલ શાહ, વિનોદ શાહ તથા શૈલેષ જૈનની ધરપકડઃ અફઘાન રાજદૂત 25 કિલો સોના સાથે પકડાયાં હતાં
મુંબઇ : અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દક સાથે સંકળાયેલા સોનાની દાણચોરીના કેસમાં ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ સોમવારે મુંબઇથી ચાર જવેલરની ધરપકડ કરી હતી. ડીઆરઆઇએ એવો દાવો પણ કર્યો હતો કે આ સિન્ડિકેટે આ વર્ષે જાન્યુઆરીથી ચાર મહિનામાં વિદેશથી ૩૦૦ કિલો સોનાની દાણચોરી કરી હતી. આ કેસમાં કોન્સ્યુલેટના એક કર્મચારી પણ શંકાના ઘેરા હેઠળ છે. ડીઆરઆઇને એવી પણ શંકા છે કે ભૂતકાળમાં પણ અફઘાન રાજદ્વારી વર્દકે આરોપી જ્વેલરોને સોનાની લગડીઓ સપ્લાય કરી હશે.
ધરપકડ કરાયેલા જ્વેલરોની ઓળખ વૈભવ ઠાકરે (૩૧), સાહિલ શાહ (૩૬) વિનોદ શાહ (૬૦) અને શૈલેષ જૈન (૫૫)ને સમાવેશ થાય છે.
૨૫ એપ્રિલના રોજ ડીઆરઆઇએ વર્દાક દુબઇથી ૧૮.૬૦ કરોડનું મૂલ્ય ધરાવતા પચ્ચીસ કિલો સોનાના જથ્થા સામે એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને અટકાવ્યા બાદ તેમની ધરપકડ કરી હતી. તેમના પાસેથી વિદેશના માર્કા ધરાવતા પચ્ચીસ કિલો સોનાની લગડી મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કોન્સ્યુલેટના અન્ય એક સ્ટાફ મેમ્બર રફી ઉલ્લા કેલેવાલ પણ આ સિન્ડિકેટ સાથે જોડાયેલો હોઇ શકે છે. કોલ ડિટેઇલ રેકોર્ડ (સીડીઆર)ના વિશ્વેષણ પરથી કેલેવાલ ચીરાબજારના એસકે શાહ એન્ડ સન્સ જ્વેલર્સના સાહિલ શાહ અને વિનોદ શાહના સતત સંપર્કમાં હતો.
આ કેસમાં પકડાયેલા ઠાકરેએ ડીઆરઆઇને જણાવ્યું હતું કે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન જે કે જ્વેલ્સના જૈન અને તેના ભાઇએ કુલ ૩૦૦ કિલો દાણચોરીનું સોનું તેમના દ્વારા રજૂ કરાયેલા ગ્રાહકોને આપ્યું હતું.
આ બાબતની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્દકે જાન્યુઆરી મહિનામાં એસકે શાહની ઓફિસની મુલાકાત લીધી હતી અને રોકડ નાણા સામે સોનાની લગડીઓ પહોંચાડવાની દરખાસ્ત મૂકી હતી. વર્દકે કેલેવાલનો તેમની સાથે પરિચય કરાવ્યો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોકડ ચૂકવણી સામે એસકે શાહને લગભગ ૨૦૦ કિલો સોનું આપશે એકવાર સોનું પહોંચાડયા પછી સાહિલ શાહ તેને સ્થાનિક બજારમાં વેચી દેશે અને કેલેવાલને રોકડ આપશે. ત્યાર બાદ જૈન રોકડના આધારે ઠાકરેને સોનું વેચશે. ડીઆરઆઇના જણાવ્યાનુસાર સિંડિકેટના અન્ય મુખ્ય સભ્યો એલ.કે. શાહ એન્ડ સન્સના તેજસ શાહ, હવાલા ઓપરેટરો વગેરેને હજી પકડવાના બાકી છે.