મહારાષ્ટ્રના આઈએસ મોડયૂલમાં અફઘાન કનેક્શનનો પર્દાફાશ
મહારાષ્ટ્રના યુવાનો અફઘાન હેન્ડલ અબુ અહેમદના સંપર્કમાં હતા
આઈએસમાં ભરતી માટે સમાન પાસવર્ડ સાથે 35 પ્રોફાઈલ બનાવી, દરેક વાતચીત પછી ડેટા ડિલીટ કરી દેવાતો હતો
મુંબઇ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે આઇએસઆઇએસ છત્રપતિ સંભાજી નગર મોડયુલ કેસમાં ગત અઠવાડિયે મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડીને પકડેલા મોહમ્મદ ઝોહેબ ખાનની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. એનઆઇએએ ખાનના અફઘાનિસ્તાન સ્થિત આઇએસઆઇએસ હેન્ડલરની ઓળખ અબુ અહમદ તરીકે કરી છે. તેની એજન્સીને તપાસમાં જાણવા મળ્યું કે ખાને આઇએસ પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞાા લીધી હતી એનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને અહમદને મોકલ્યો હતો. તે આઇએસઆઇએસ ભરતીના કાર્યક્રમોમાં સામેલ હતો અને ભારતમાં સ્લીપર સેલ સાથે સંપર્ક જાળવી રાખતો હતો.
આરોપી ખાને પૂછપરછમાં કથિત રીતે કબૂલાત કરી હતી કે તેનો ભાઇ શોએબ પહેલેથી જ આઇએસઆઇએસમાં જોડાઇ ગયો હતો. શેએબે તેને અહમદના સોશિયલ મીડિયા આઇડીની લિંક ટેલિગ્રામ એપ પર શેર કરીહતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ખાને તેના હેન્ડલર સાથે સંપર્ક રાખવા અને સોશિયલ મીડિયા પર યુવાનોની ભરતી કરી તેમને કટ્ટરપંથી બનાવવા માટે સમાન પાસવર્ડ સાથે ૩૫ થી વધુ નકલી પ્રોફાઇલ બનાવી હતી.
એનઆઇએને તપાસમાં માલૂમ પડયું છે કે દરેક વાતચીત પછી ખાન કોલ લોગ્સ, તેમજ ઓડિયો, વીડિયો અને ટેકસ્ટ અને સોશિયલ મીડિયા મેસેજ ડિલીટ કરી નાખતો હતો. ખાનના બે ભાઇ છે દોહામાં રહેતો મોહમ્મદ શારિક ખાન સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે છે. જ્યારે બીજો ભાઇ શોએબ હાલમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક છે. તે લિંબિયામાં હોવાનું કહેવાય છે.
પરિવારજનો મુજબ શોએબ ઉચ્ચ શિક્ષિત અને બિલિયામાં યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. કુટુંબીજનોએ દાવો કર્યો હતો કે તે ઘણા વર્ષોથી ભારત પાછો આવ્યો નથી. તે કોઇપણ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો નથી.
એનઆઇએએ કહ્યું હતું કે લિબિયામાં શોએબ આતંકવાદી સંગઠન આઇએસ સામે સંકળાયેલો હોવાની અનેક એજન્સીને ખબર પડી છે. તે ઝોહેબ ખાનના પણ સંપર્ક હોવાનું જાણવા મળ્યું છે.
એનઆઇએ મુંબઇ દ્વારા મોહમ્મદ ઝોહેબ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે આઇએસમાં જોડાવા અને તેની હિંસક વિચાર ધારાને પ્રોત્સાહન આપવા યુવાનોના મનમાં ઝેર રેડીને આતંકી બનાવવા તેમની ભરતી કરવામાં સામેલ હોવાનું કહેવાય છે. ખાન અને તેના સહ્યોગીઓ વિદેશમાં બેઠેલા આતંકીઓના સતત સંપર્કમાં હતી અને તેમના ઇશારે કામ કરતા હતા તેઓ પ્રત્યાક્ષ અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોની ભરતી કરતા હતા.
મહારાષ્ટ્રનો ઝોહેબ ખાન અફઘાનિસ્તાન જઈ ખોરાસન મોડયૂલમાં જોડાવાનો હતો
આરોપી ઝોહબે ખાન આતંકી નેટવર્કની ગતિવિધિઓને આગળ વધારવા માટે તેના હેન્ડલરના સંપર્કમાં હતો તે આઇએસઆઇએસના ખોરાસન મોડયુલમાં જોડવા માટે અફઘાનિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો હતો તેણે ભારત છોડવાનું નક્કી કર્યુ ંહતું.
સ્થાનિક પોલીસે પાવપોટે વેરિફિકેશન માટે અમૂક સવાલ કર્યા હતા જેના લીધે પાસપોર્ટ મેળવવામાં વિલંબ થઇ રહ્યો હતો.
ખાનના વકીલના જણાવ્યા મુજબ તે કોઇ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો નથી અફઘાનિસ્તાન જવા કાયદેસર રીતે મંજૂરી મેળવી રહ્યો હતો. આ માટે તેણે ભારત અને અફઘાનિસ્તાનમાં દૂતાવાસનો સંપર્ક કર્યો હતો.