હાઈકોર્ટનો બનાવટી ઓર્ડર દર્શાવવા બદલ વકિલના આગોતરા જામીન નકારાયા
અન્ય અસીલો સાથે પણ આવું કર્યું હોવાની શંકા
મિલકત વિવાદના કેસમાં વૃદ્ધાનો વિશ્વાસ સંપાદન કરીને રૃ. 2.57 કરોડ પડાવ્યાનો આરોપ
મુંબઈ : મિલકત વિવાદમાં વયોવૃદ્ધ અસીલને ગેરમાર્ગે દોરીને હાઈકોર્ટનો બનાવટી આદેશ બતાવવાના ગંભીર આરોપનો સામનો કરી રહેલા એડવોકેટ વિનયકુમાર અશોક ખાતુની આગોતરા જામીન અરજી બોમ્બે હાઈ કોર્ટે ફગાવી છે.
ન્યા. લદ્ધાએ આગોતરા જામીન નકારીને નોંધ્યું હતું કે કસ્ટડીમાં રાખીને પૂછપરછ જરૃરી છે અન્ય અસીલો સાથે પણ આવું થયાની શક્યતા છે.
કેસની વિગત મુજબ ૭૪ વર્ષના ફરિયાદીએ આરોપ કર્યો હતો કે ખાતુએ પોતાના અલીબાગની મિલકત સંબંધી કેસનો ચુકાદો ખોટો દર્શાવ્યો હતો. ખાતુએ પોતાને હાઈકોર્ટના ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ના અને ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના આદેશ બનાવટી દર્શાવ્યા હતા.
સમયાંતરે વકિલે રૃ. ૨.૫૭ કરોડ ખોટા બહાને પડાવ્યા છે અને તેને ખાતરી આપી હતી કે કેસ અસરકારક રીતે હાથ ધરાઈ રહ્યો છે. નવા વકિલની સલાહ લીધા બાદ જાણ થી હતી કે તેને અપાયેલો આદેશ ખોટો છે અને કેસ ક્યારેય લિસ્ટ થયો નહોતો.
ખાતુના વકિલે દલીલ કરી હતી કે વોટ્સએપ ચેટમાં ક્યારેય હાઈકોર્ટ ઓર્ડર સ્પષ્ટ જણાવાયું નથી. આથી અલીબાગના સબ ડિવિઝનલ ઓફિસરે જારી કરેલા સ્ટે ઓર્ડરનો ઉલ્લેખ કરાયો છે. વાસ્તવમાં ફરિયાદીએ પોતે જ આદેશ બદલ્યો હોવાનો આરોપ કર્યો હતો.
અસીલ પાસેથી મળેલા રૃ. ૬૫ લાખ વાજબી છે કેમ કે કેસ જમીન સોદા અને વિવિધ કાનૂની અને આર્થિક બાબતો સંબંધી ખર્ચાનો સમાવેશ છે, જેમા ંસેલ્સ ટેક્સ અને કસ્ટમ્સ ડયુટીનો પણ સમાવેશ થાય છે. ખાતુને વિશ્વાસને આદારે ફરિયાદીએ જનરલ પાવર ઓફ એટર્ની આપ્યો હતો.
ફરિયાદીના વકિલે જણાવ્યું હતું કે ખાતુના અગાઉના ગુનાહિત રેકોર્ડ છે જેમાં આઈએએસ અધિકારી બનીને તેમ જ ડેપ્યુટી ડિરેક્ટર ઓફ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) હોવાની બનાવટ કરવા બદલ દિલ્હી પોલીસે ૨૦૧૬માં ધરપકડ પણ કરી હતી.