ધો. 11માં બનાવટી દસ્તાવેજોના આધારે મેળવાયેલાં એડમિશન રદ
જે જે સ્કૂલ ઓફ આર્ટસ બાદ સૌમેયા વિદ્યાવિહારની કોલેજોમાં પણ ચોંકાવનારા કેસ
કોલેજોના પદાધિકારીઓ બોગસ દસ્તાવેજો પારખવામાં થાપ ખાઈ ગયાઃ સમગ્ર રાજ્યમાં રેકેટ ચાલતું હોવાની આશંકા
મુંબઈ : થોડાં દિવસો પહેલાં જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશનમાં ગેરરીતિ આચરાયાની ઘટના બાદ સોમૈયા વિદ્યાવિહારની જૂનિયર કૉલેજોમાં પણ એવો કિસ્સો બહાર આવ્યો છે. એસ.કે.સોમૈયા વિનયમંદિર સેકન્ડરી એન્ડ જૂનિયર કૉલેજ, કે.જે.સોમૈયા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અને કે.જે.સોમૈયા કૉલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સમાં ધો.૧૧ના ઘણાં વિદ્યાર્થીઓના એડમિશનમાં ગેરરીતિ દેખાતાં તાજેતરમાં આ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ સંસ્થાએ શિક્ષણાધિકારીઓની સહાયથી રદ્દ કર્યાં છે.
મહાવિદ્યાલય દ્વારા એડમિશનની નિયમિત સમીક્ષા પ્રક્રિયા થઈ રહી હતી ત્યારે કેટલાંક વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે સબમિટ કરેલાં દસ્તાવેજો અને ખાસ કરી માર્કશીટમાં વિસંગતતા જણાઈ હતી. તેને પગલે સંસ્થાએ ઝીણવટભેર તપાસ કરતાં એડમિશનમાં અનિયમિતતા આચરવામાં આવી હોવાનું જણાયું હતું. જેને પગલે સંસ્થાઓએ શિક્ષણાધિકારીઓને જાણ કરી આ મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચાડયો હતો. શિક્ષણ નિયામકની લીલી ઝંડી બાદ સંસ્થાઓએ સંબંધિત વિદ્યાર્થીઓને તથા તેમના વાલીઓને બોલાવી તેમના એડમિશન રદ્દ કર્યા હતા.
સોમૈયા વિદ્યાવિહારે છેતરપિંડીની પ્રક્રિયાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર મૂકી ખાતરી આપી હતી કે પ્રવેશ પ્રક્રિયાની સત્યતા જાળવી રાખવા માટે શિક્ષણ નિયામક વતી અપાયેલ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરાશે. સંસ્થા દ્વારા વાલીઓને અપાયેલ પત્રમાં જણાવાયું છે કે, ખોટાં દસ્તાવેજો અને માહિતી રજૂ કરવા બદ્દલ તત્કાલીન અસરથી તમારા વિદ્યાર્થીઓના એફવાયજેસી એડમિશન ૨૦૨૪ના પ્રવેશ રદ્દ કરવામાં આવે છે.
જોકે હવે વાલીઓને તેમના બાળકોના ભવિષ્ય બાબતે ચિંતા ઊભી થઈ છે અને તેમનું કહેવું છે કે, અમારી જાણ બહાર પ્રવેશ પ્રક્રિયામાં ગોટાળા થયા છે. જેનું પરિણામ અમારા બાળકોએ ભોગવવું પડશે. જોકે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓજ વધુ ભેરવાયા હોવાની માહિતી પણ મળી છે. સંસ્થાઓએ આવા રદ્દ કરાયેલ વિદ્યાર્થીઓનો આંકડો બહાર પાડયો નથી પરંતુ સૂત્રો દ્વારા એવી જાણ થઈ છે કે ત્રણેય સંસ્થાઓમાં મળી આવા અનેક કેસો છે.
આ ઘટનાથી સંસ્થાના શિક્ષકો પણ અચંબિત થઈ ગયા છે. ત્યારે બીજી તરફ આ ઘટના પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની અધિકૃતતા પર પ્રશ્નો ઊભા કરે છે. આવા કિસ્સા રોકવા તેમજ ખરેખર પાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે એડમિશન દરમ્યાન દસ્તાવેજની કડક તપાસણીની જરુરિયાત તરફ આ ઘટના ધ્યાન દોરે છે. જો આ રીતે ખોટાં એડમિશન થાય તો પાત્ર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે અને અયોગ્ય વિદ્યાર્થીઓને માત્ર પૈસાંને પરિણામે પ્રવેશ મળી જાય તેવું થાય. વળી જે રીતે આ ઘટનામાં દસ્તાવેજો રજૂ કરાયા હતા, તેમાં સાચા દસ્તાવેજ કયા અને બનાવટી કયા એનો ફરક પારખવો પણ અઘરો થઈ પડયો હતો. ત્યારે આ ઘટના એ તરફ પણ ધ્યાન દોરે છે કે શું વિદ્યાર્થીઓના આવા નકલી દસ્તાવેજો બનાવવા માટે કૉલેજથી માંડી શિક્ષણ વિભાગ સુધીના અધિકારીઓમાંથી તો કોઈનો હાથ નથી ને? જો એમ હોય તો તે બાબતે શિક્ષણ વિભાગે ઘટતાં પગલાં લેવા જરુરી બને છે. આ માત્ર એકલદોકલ સંસ્થાઓમાં બની રહ્યું છે એવું નથી પણ રાજ્યભરમાં આ જાળ ફેલાયેલી હોવાની પણ સૂત્રોને શંકા છે.