ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન લર્નિંગની એડમિશન પ્રક્રિયા આજથી શરુ થશે
મુંબઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની તક
31 જુલાઈ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે
મુંબઇ : મુંબઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન (સીડીઓઈ)માં પ્રથમ વર્ષના કોર્સના એડમિશન ૨૬મી જૂનથી શરુ થઈ રહ્યા છે. આ એડમિશન પ્રક્રિયા ૩૧ જુલાઈ સુધી ચાલું રહેશે. ગયા વર્ષે ડિગ્રી કોર્સમાં ૯,૮૧૯ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતાં.
ડિગ્રી સ્તરીય ફર્સ્ટ યર બીએ, બીકોમ, બીકોમ (એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ), બીએસસી (ઈન્ફર્મેશન ટેક્નોલોજી), બીએસસી (કોમ્પ્યુટર સાયન્સ) કોર્સના એડમિશન શરુ થઈ ગયા છે તો સેકન્ડ યરના બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસી કોર્સના એડમિશન જલ્દી જ શરુ કરવામાં આવશે.
માસ્ટર્સ કોર્સના એડમિશન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) મુજબ થશે. સીડીઓઈના ચર્ચગેટ, થાણે, કલ્યાણ, રત્નાગિરી અને સાવંતવાડી સ્થિત વિભાગીય કેન્દ્રો પર પ્રવેશ સંબંધિત માર્ગદર્શન અને અભ્યાસસામગ્રી પણ વિદ્યાર્થીઓને અપાશે. પાલઘરમાં પણ ટૂંક સમયમાં એક કેન્દ્ર શરુ થશે.
જે વિદ્યાર્થીઓને રેગ્યુલર કૉલેજમાં એડમિશન નથી મળ્યું કે જેમણે શિક્ષણ અધૂરું મૂકી દીધું હતું તેઓ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમમાં એડમિશન લઈ શિક્ષણને આગળ વધારી શકે છે, એવું સીડીઓઈના પ્રભારી સંચાલક ડૉ.સંતોષ રાઠોડે જણાવ્યું હતું.