અભિનેત્રી ક્રિસન પરેરા શારજાહ કોર્ટ દ્વારા તમામ આરોપોમાંથી મુક્ત
અભિનેત્રીનો ભારત આવવાનો માર્ગ મોકળો થયો, પાસપોર્ટની પ્રતીક્ષા
અભિનેત્રીની ટ્રોફીમાં ડ્રગ્સ મૂકીને ફસાવવામાં આવી હતી, કાયદાકીય લડતનો આખરે અંત આવ્યો
મુંબઇ : યુએઇના શારજાહમાં ડ્રગ્સ કેસમાં ફસાયેલ અભિનેત્રી ક્રિસન પરેરાને મંગળવારે યુએઇ સત્તાવાળાઓ દ્વારા તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવી હતી. પરિણામે અભિનેત્રીનો ભારત આવવાનો માર્ગ મોકળો થયો હોઇ તે ટુંક સમયમાં ભારત પાછી ફરશે. આ સંદર્ભે ક્રિસનના ભાઇ કેવિન પરેરાએ માધ્યમોને જણાવ્યું હતું કે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે અને એક અઠવાડિયામાં ક્રિસનને પાસપોર્ટ પાછો મળી જશે.
૨૭ વર્ષની બાટલા હાઉસની આ અભિનેત્રીના સામાનમાં રાખેલ એક ટ્રોફીમાંથી ડ્રગ્સ મળી આવતા શારજાહ એરપોર્ટ પર ૧ એપ્રિલના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે માધ્યમોને વધુ વિગત આપતા કેવિન પરેરાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૪૫ દિવસથી શારજાહની કોર્ટમાં કાયદેસર લડાઇ લડી રહ્યા છે. મંગળવારે આ પ્રક્રિયા અંતે પૂરી થઇ હતી. અત્યારે કાંઇ કહી શકાતું નથી પણ ક્રિસનને એક અઠવાડિયામાં તેનો પાસપોર્ટ પાછી મળી જશે તેવી શક્યતા છે. તેનો પાસપોર્ટ મળ્યા બાદ તેના પાછા ફરવાની તારીખની ઘોષણા કરવામાં આવશે.
ક્રિસનને જામીન મળ્યા તે પહેલા ૨૫ દિવસ સુધી શારજાહની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી હતી. જ્યાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેનો પાસપોર્ટ જપ્ત રહેશે તેવી શરત રાખવામાં આવી હતી. ક્રિસન પરેરા સાથે બદલો લેવાના આશયથી બોરીવલી વિસ્તારમાં રહેતા બેકર એન્થની પોલ અને તેના સાથીદાર રાજેશ બોભાટે ઉર્ફે રવિની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. રવિએ કથિત રીતે એક ટ્રોફીમાં ડ્રગ્સ છુપાવી આ ટ્રોફી અભિનેત્રી સાથે શારજાહ મોકલી હતી. એવું પણ બહાર આવ્યું હતું કે આ લોકોએ આ રીતે અન્ય ચાર જણને પણ ખોટી રીતે ડ્રગ્સ કેસમાં ફસાવ્યા છે.