શાહ રૃખ, સલમાન, આલિયા સહિત કલાકારોએ આતંકી હુમલાની નિંદા કરી
પીડિતોની વ્યથામાં દેશના ફિલ્મ ઉદ્યોગોએ સાથ પુરાવ્યો
દક્ષિણ ભારતીય અને બોલીવૂડના કલાકારોએ દુઃની ઘડીમાં નાગરિકોને મજબૂત રહેવાની અપીલ કરી
મુંબઈ - જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૬ નિર્દોષ લોકોનો ભોગ લેનારા ઘાતકી આતંકી હુમલાને વખોડવામાં અને શોક વ્યક્ત કરવામાં ભારતીય ફિલ્મ ઉદ્યોગે એકરૃપતા દાખવી. શાહ રૃખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા અને અન્ય અગ્રણી કલાકારોએ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે દુઃખ અને એકતાની લાગણી વ્યક્ત કરીને આતંકી હુમલા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો.
શાહ રૃખ ખાને આ ઘટનાને અમાનવીય ગણાવીને ન્યાયની માગણી કરી જ્યારે સલમાન ખાને નિર્દોષ લોકોના મોત બદલ શોક વ્યક્ત કરતા કહ્યું કે આ હુમલાએ સ્વર્ગને નરકમાં પરિવર્તિત કર્યું છે. આલિયા ભટ્ટ, કેટરીના કૈફ અને અનુષ્કા શર્માએ આ વિચારહીન હિંસા વિશે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે તેનાથી રાષ્ટ્રને આઘાત પહોંચ્યો છે. પ્રિયંકા ચોપડા અને હૃતિક રોશને પણ આતંકી હુમલાના ઘાતકીપણાની ટીકા સાથે ન્યાયની માગણી કરીને એકરૃપતા વ્યક્ત કરી.
દક્ષિણના અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાથી લઈને બોલીવૂડના અક્ષય કુમાર અને અજય દેવગણએ શાંતિ, મજબૂતી અને એકતાનો પડઘો પાડયો. કલાકાર-રાજકરણી કંગના રણૌત, ફિલ્મ સર્જક ફરહાન અખ્તર તેમજ અન્ય કલાકારોએ આક્રોશ વ્યક્ત કરીને હુમલાને નિંદનીય અને કાયરતાપૂર્વકનો ગણાવ્યો.
દુઃખમાં એકજુટ થયેલા ભારતના ફિલ્મ ઉદ્યોગોએ રાષ્ટ્રને મજબૂત રહેવાની તેમજ પીડિતો માટે પ્રાર્થના કરવાની અને આવી ઘટના ફરી ન બને તેના માટે તકેદારી રાખવાની અપીલ કરી.