મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ 1 - image


- પહેલી મે સુધી પોલીસ રિમાન્ડ પર 

- હાઈકોર્ટે ખાનને આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો : ૪૦ કલાક સુધી મુંબઈ પોલીસ સાથે સંતાકૂકડી બાદ ઝડપાયો

મુંબઈ : મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢથી બોલીવુડ અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી છે.

હાઈકોર્ટે મહાદેવ સટ્ટાબાજી એપનો પ્રચાર અને પ્રસાર કરવાના આરોપસર ખાનને આગોતરા જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે ૪૦ કલાકના પીછો કર્યા બાદ છત્તીસગઢના જગદલપુરમાંથી અભિનેતાને ઝડપી લીધો હતો. કોર્ટે તેને ૧ મે સુધીની પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

છત્તીસગઢથી પકડીને પોલીસ આજે સાહિલને મુંબઈ લઈને આવી હતી. પછી તેની પૂછપરછ કરી તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેને કોર્ટમાં હાજર કરવા અને કેસ સંબંધિત અન્ય જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.

સટ્ટાબાજી એપના માધ્યમથી સાહિલે જંગી નફો કર્યો હોવાનું કહેવાય છે. 'સ્ટાઈલ' અને 'એક્સક્યુઝ મી' ફિલ્મથી પ્રખ્યાત બનેલા અભિનેતા સાહિલ ખાન બોલીવુડમાં વધુ સફળતા ન મળતા તે ફિટનેસ એક્સપર્ટ બની ગયો હતો.

માટુંગા પોલીસે મહાદેવ ઓનલાઈન ગેમિંગ- બેટીંગ એપ પ્રકરણમાં ખાન અને ૩૧ આરોપી સામે કેસ નોંધ્યો હતો. આ મામલામાં નોંધાયેલી એફઆઈઆર મુજબ આ કૌભાંડ અંદાજે રૃ.૧૫ હજાર કરોડનું છે. મુંબઈ પોલીસે આ કેસમાં અગાઉ એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રાજ્યની કેટલીક નાણાકીય અને રિયલ એસ્ટેટ કંપનીઓના મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સ વચ્ચેના કથિત ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરી રહી છે.

અભિનેતા ખાન ધ લાયન બુક એપ સાથે જોડાયેલો છે અને તે મહાદેવ બેટીંગ એપ નેટવર્કનો ભાગ હોવાનું કહેવાય છે. 

આ રેકેટમાં સાહિલની સંડોવણીની જાણ થતા આ કેસના સંબંધમાં રચાયેલી એસઆઈટી દ્વારા તાજેતરમાં અભિનેતાની પૂછપરછ કરવામાં આવી હતી. ખાન અને અન્ય ૩૧ વ્યક્તિ સામે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસમાં તેમના બેન્ક ખાતા, મોબાઈલ ફોન, લેપટોપ અને તમામ ટેકનિકલ સાધનોની તપાસ કરવામાં આવી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) આ કેસમાં મની લોન્ડરીંગ એંગલની તપાસ કરી રહી છે. ઈડીએ તપાસના ભાગરૃપે અત્યાર સુધીમાં નવ જણની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના એન્ટી કરપ્શન બ્યુરો- આર્થિક ગુના શાખાએ ૨૪ એપ્રિલે કહ્યું હતું કે 'તેમણે મહાદેવ બેટીંગ એપ કેસ સંબંધમાં નવી દિલ્હી અને ગોવાથી બે વ્યક્તિની ધરપકડ કરી છે.

હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધા બાદ સાહિલ ખાન ખાનગી વાહનમાં પોતાની ઓળખ બદલીને મુંબઈથી ગોવા પછી કર્ણાટક અને હૈદરાબાદ ગઢચિરોલી થઈને છત્તીસગઢ પહોંચ્યો હતો. મુંબઈ પોલીસની ટીમ તેનો પીછો કરી રહી હતી. આમ અંદાજે ૪૦ કલાકની તપાસ બાદ છત્તીસગઢના જગદલપુરથી સાહિલને પકડવામાં આવ્યો હતો.

આ એપ સાથે ૬૭ સટ્ટાબાજીની વેબસાઈટ સંકળાયેલી હતી. તમામ વિદેશથી ઓપરેટ કરવામાં આવતી હતી. તેના માટે બે હજારથી વધુ નકલી સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સામાન્ય લોકોને વિવિધ રમતો પર સટ્ટો રમાડીને પૈસા જીતવાની લાલચ આપવામાં આવી હતી. એજ રીતે બનાવટી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવેલા ૧૭૦૦થી વધુ બેન્ક ખાતાઓનો ઉપયોગ પૈસા પડાવવા માટે કરવામાં આવ્યો હતો. આ પૈસા હવાલા અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને મહાદેવ સટ્ટાબાજી એપની સબસિડીયરી એપના પ્રમોશનના સંદર્ભમાં સમન્સ મોકલવામાં આવ્યા છે. આ ઉફરાંત સંજય દત્ત પણ કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે થોડા દિવસની મુદત માગી હતી. આ મામલામાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટીની સંડોવણી સામે આવી છે.

મહાદેવ ઓનલાઈન બેટીંગ એપ દુબઈના સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા ઓપરેટ કરવામાં આવી હતી. આ બંને મૂળ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસમાં જાણવા મળ્યું છે કે આ એપ યુએઈની સેન્ટ્રલ હેડ ઓફિસમાંથી ચલાવવામાં આવે છે.

બંને આરોપીના પોલીસ, રાજકારણીઓ સાથે સંબંધો હતો. એપની સિક્યુરિટી એજન્સીઓના રડારથી દૂર રાખવા નિયમિત પૈસાની ચૂકવણી કરવામાં આવતી હતી એમ કહેવાય છે.



Google NewsGoogle News