ટીવી ફિલ્મોમાં કામ મળવું બંધ થતાં એક્ટર નીતિનકુમારની આત્મહત્યા
ગોરેગાંવના ફલેટમાં ગળેફાંસો ખાધો
પત્ની દીકરીને રમાડવા પાર્કમાં લઈ ગઈ ત્યારે ૩૫ વર્ષના એક્ટરનો આપઘાત
મુંબઈ : ટેલિવિઝન અભિનેતા નીતિન કુમાર સત્યપાલ સિંહે ગોરેગાંવમાં આત્મહત્યા કરી લીધી હતી. ફલેટની અંદર ૩૫ વર્ષીય એકટરનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તે કામ ન મળતાં ડિપ્રેશનમાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ગોરેગાંવના યશોધામ વિસ્તારમાં નીતિનકુમાર (ઉ.વ.૩૫) તેના પરિવાર સાથે રહેતો હતો. ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ ન મળતા તે હતાશ થઈ ગયો હતો. ડિપ્રેશનમાં હોવાથી સિંહની સારવાર ચાલી રહી હતી.
સિંહની પત્ની તેમની પુત્રીને ગઈકાલે પાર્કમાં લઈ ગઈ હતી તે પાછી આવી ત્યારે ફલેટનો દરવાજો અંદરથી બંધ હતો. તેણે પતિ નીતિનકુમારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. છેવટે ફલેટની અંદર તપાસ કરતા સિંહનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો મળી આવ્યો હતો. તેણે ગળાંફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.