એક્ટર કરણ હુક્કુએ 10 હજારની રિસ્ટવોચ 7 લાખમાં પધરાવી દીધી
વિદેશી બ્રાન્ડની હોવાનું કહી નકલી પીસ વેચી દીધો
ડુપ્લીકેટ હોવાની જાણ થયા બાદ માગેલા પૈસા પાછા ન આપતાં ફિલ્મ પ્રોડયૂસર તથા વેપારીએ કરણ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી
મુંબઇ : એક ફિલ્મ પ્રોડયુસર અને ગાર્મેન્ટના વેપારી મોહમ્મદ સલીમ ફારુકીએ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ટીવી અને ફિલ્મના અભિનેતા કરણ હુક્કુ સામે ફરિયાદ નોંધાવી હતી. ફારુકીએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ કરણ હુક્કુએ એક પ્રખ્યાત બ્રાન્ડની ઇટાલિયન કાંડા ઘડિયાળ આપવાને નામે તેની સાથે સાત લાખની છેતરપિંડી કરી હતી. ફારુકીની ફરિયાદ બાદ આઝાદ મેદાન પોલીસે હુક્કુ સામે આઇપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ શરૃ કરી છે.
અભિનેતા કરણે ક્યાં લવ સ્ટોરી હૈ જેવી ફિલ્મ અને કસમસે અને કહેના કહે જેવી સિરિયલમાં કામ કર્યું છે. વર્સોવાના યારી રોડ પર રહેતા કરણની મુલાકાત ફારુકી સાથે ૨૦૧૬માં એક જીમમાં થઇ હતી. દરમ્યાન ફારુકીએ એકવાર કરણ પાસેથી ગોલ્ડ-રિંગ ખરીદી હતી. આ ડીલથી ફારુકીને સંતોષ થયો હતો. થોડા સમય પહેલા કરણે ફારુકીને જણાવ્યું હતું કે તેની પાસે એક પ્રખ્યાત ઇટાલિયન બ્રાન્ડની કાંડા ઘડિયાળ આવી છે. જેમાંથી ફારુકીને એક ઘડિયાળ ગમી જતા તેણે સાત લાખ રૃપિયામાં આ ઘડિયાળ ખરીદી લીધી હતી.
ફારુકીએ એફઆઇઆરમાં જણાવ્યા મુજબ તાજેતરમાં આ ઘડિયાળ તેણે એક જણને દેખાડતા તેણે આ ઘડિયાળ બનાવટી હોવાનો ચોંકાવનારો ધડાકો કર્યો હતો. આ ઘટનાથી ફારુકીને આંચકો લાગ્યો હતો. ફારુકીને આ વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ઘડિયાળની કિંમત દસ હજાર પણ નથી.
આ ઘટના બાદ કરણે ફારુકીને તેના પૈસા પાછી આપી દેશે તેવું જણાવ્યું હતું. જોકે તેણે પૈસા પાછા આપ્યા નહોતા અને ફારુકીને બ્લોક કરી દીધો હતો. આ ઘટના બાદ ફારુકીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.