ફૂટપાથના થાંભલા માટે બુદ્ધિ હિન અધિકારીઓ સામે પગલાં ભરોઃ હાઈકોર્ટ
વ્હીલચેર પર નિર્ભર દિવ્યાંગો માટે આ થાંભલા અવરોધરુપ
ફૂટપાથ પોલિસીના અમલ અને સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવા પાલિકાને નિર્દેશ
મુંબઈ : ફૂટપાથ પર ઊભા કરેલા થાંભલાને કારણે મુંબઈમાં દિવ્યાંગ ખાસ કરીને વ્હીલચેર પર નિર્ભર દિવ્યાંગોને આવતા અવરોધની બોમ્બે હાઈ કોર્ટે સ્વેચ્છાએ દખલ લઈને પાલિકાને બુધવારે ખામી દૂર કરવા જ નહીં પણ કોન્ટ્રેક્ટરો અને બુદ્ધિહિન અધિકારીઓ સામે પગલાં પણ લેવા જણાવ્યું છે.
મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યા. આરીફ ડોક્ટરે સમક્ષ એડવોકેટ જમશેદ મિસ્ત્રીએ કરણ શાહ નામના દિવ્યાંગજને મોકલેલા ઈમેઈલનો ઉલ્લેખ કર્યો હતો. શાહે જણાવ્યું હતું કે પોતે જન્મથી સ્પાઈનલ મસ્ક્યુલર ડિસ્ટ્રફી ટાઈપ-૩થી પીડિત હોવાને લીધે વ્હીલચેલ પર નિર્ભર છે. પાલિકાએ દરેક ફૂટપાથ પર તાજેતરમાં બેસાડેલા થાંભલાઓને લીધે પોતે ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી.
આ પગલાંથી દિવ્યાંગો માટે ફૂટપાથનો ઉપયોગ વધુ સરળ થઈ જશે એવો દાવો કરવામાં આવે છે પણ વાસ્તવમાં પોતાના જવા વ્હીલચેર પર નિર્ભર લોકોને માટે મજાક સમાન છે. બાઈક, સ્કૂટર, માણસો આ થાંભલા વચ્ચેથી પસાર થાય છે પણ વ્હીલચેર નથી થઈ શકતી. મુંબઈ દિવ્યાંગોને અનુકૂળ બનવાથી ઘણી દૂર છે, એમ શાહે જણાવ્યું હતું.
કોર્ટે ઈમેઈલ સાથે જોડેલી તસવીરો જોઈને જણાવ્યું હતું કે એક તસવીરમાં થાંભલા વચ્ચેનું અતંર એટલું ઓછું છે કે વ્હીલચેલ પસાર થઈ શકે તેમ નથી.
પાલિકા વતી વરિષ્ઠ એડવોકેટ અનિલ સિંહે રજૂઆત કરી હતી કે પાલિકાએ ૨૬ મે ૨૦૨૩ના રોજ નવી ફૂટપાથ પોલિસી તૈયાર કરી છે જેમાં દિવ્યાંગજનોની જરૃરિયાતોને ધ્યાનમાં લેેવામાં આવી છે. કોર્ટે નોંધ કરી હતી કે પોલિસી અસ્તિત્વમાં છે તો તેનો કડકાઈથી અમલ થવો જરૃરી છે.
અરજદારે રજૂ કરેેલી તસવીરો વિશે પૂછવામાં અવાતાં સિંહે જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં સર્વે ચાલી રહ્યા છે અને તપાસ થઈ રહી છે કે થાંભલાને કારણે કોઈ વિસંગતી નિર્માણ થઈ છે કે નહીં અને અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. જો કોઈ વિસંગતી હશે તો યોગ્ય સુધાર કરાશે. કોર્ટે પાલિકાને ફૂટપાથ પોલિસીના અમલ પર સોગંદનામું, સર્વે રિપોર્ટ અને દિવ્યાંગોને અગવડ પડે નહીં એ માટે લીધેલા પગલાં જણાવવા નિર્દેશ આપ્યો છે.
જો આવી ક્ષતિ જમાય તો તમારે તે દૂર કરવી પુરતું નથી પણ કોન્ટ્રેક્ટર અને સુપરવાઈઝર અધિકારી સામે પગલાં પણ લેવાના રહેશે, એમ જણાવીને કોર્ટે સુનાવણી સાત ફેબુ્રઆરી પર રાખી છે.