આરોપીઓની કબૂલાતઃ સિદ્દિકી પિતા-પુત્ર બંનેની હત્યાની સોપારી મળી હતી
બાબા સિદ્દિકી હત્યા કેસમાં પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
પિતા-પુત્ર બંનેને એક સાથે મારવાની તક ન મળે જે સામે દેખાય તેને મારી નાખવાનો આદેશ હતો
મુંબઈ : બાંદરામાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં આરોપીની પૂછપરછમાં નવી ચોંકાવનારી માહિતી મળી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકી સાથે તેમના પુત્ર ઝીશાનને પણ મારવા માટે સુપારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોરેન્સ બિશ્નોઈ ગેંગે હત્યાની જવાબદારી સ્વિકારી હતી.
બાંદરામાં નિર્મલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે દશેરાના રાતે ૯.૧૫થી ૯.૩૦ વાગ્યા દરમિયાન ત્રણ શૂટર ગુરમૈલ બલજીતસિંહ (ઉં.વ.૨૩) ઉત્તર પ્રદેશના ધર્મરાજ કશ્યપ (ઉં.વ.૧૯) અને શિવકુમાર ગૌતમે અંધાધૂંધ ગોળીબાર કરી બાબા સિદ્દીકીની હત્યા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓને બાબા સિદ્દીકીની સાથે ઝીશાનને મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો બંનેને એક સાથે મારવાની તક ન મળે તો પિતા- પુત્રમાંથી જે પણ સામે દેખાય તેને મારી નાખવાનું જણાવવામાં આવ્યું હતું.
બિશ્નોઈ ગેંગના શૂટરોએ કુર્લામાં રૃમ ભાડે રાખી હતી. તેઓ કુર્લાથી બાંદરા રેકી કરવા આવ્યા હતા.તેઓ પ્રવાસ માટે રિક્ષાનો ઉપયોગ કરતા હતા. તેઓ સિદ્દીકીના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર નજર રાખતા હતા.
ફાયરિંગના અગાઉ બાબા સિદ્દીકી તેના પુત્ર ઝીશાનની ઓફિસમાં સાથે હતા. ઓફિસમાંથી બંને સાથે ઘરે જવાના હતા. જોકે, ઝિશાન છેલ્લી ઘડીએ કોઈ ફોન એટેન્ડ કરવા માટે ઓફિસમાં અંદર ગયા હતા તે દરમિયાન હત્યારાઓએ બાબા સિદ્દિકી પર ગોળીઓ છોડી હતી. પિતા- પુત્ર સાથે હોવાનું આરોપીઓ જાણતા હતા એમ કહેવાય છે.