6 વર્ષની બાળકીની જુબાની પરથી રેપના આરોપીને 20 વર્ષની કેદ
ઘર પાસે રમતી બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો
માસુમ બાળકીની સચોટ જુબાનીને કારણે આરોપી બળાત્કારી સામેનો કેસ પુરવાર થયો
મુંબઈ : છ વર્ષની બાળકી પર બળાત્કારના ૨૦૨૧ના કેસમાં થાણે જિલ્લા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત જેલની સજા સંભળાવી છે. માત્ર છ વર્ષની બાળકીએ આરોપી સામે સચોટ જુબાની આપતાં તેની સામેનો કેસ પુરવાર કરવામાં મદદ મળી હતી.
થાણેમાં દિવા વિસ્તારના ગામના વતની ૪૭ વર્ષના આરોપી પાંડુરંગ શેલારને વિશેષ પોક્સો કોર્ટના જજ દેશમુખે દોષિત ઠેરવીને રૃ. પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની રકમ વળતર પેટે પીડિતાને આપવાનો નિર્દેશ આપીને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વધારાના વળતર માટે કેસ મોકલવા જણાવ્યું હતું.
હાલ છ વર્ષની બાળકીએ આરોપી સામે જુબાની આપી હતી અને કેસને નિશંકપણે પુરવાર કરવામાં મદદ કરી હતી. આઠ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ આરોપીએ ઘરની બહાર રમતી બાળકીને ભોળવીને પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી.
આરોપી સામે ભારતીય દંડ સંહિતા અને અએટ્રોસિટી એક્ટ તેમ જ પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.