ગેંગસ્ટરની પત્નીને ધમકીનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર
- પુણેની સાસૂન હોસ્પિટલ ફરી વિવાદમાં
મુંબઈ : પુણેમાં ગોળીબારમાં ઠાર કરાયેલ કુખ્યાત ગેંગસ્ટર શરદ મોહોળની પત્ની સ્વાતિ મોહોળને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માર્શલ લુઈસ લીલાકર (૨૪)ના નામનો આરોપી પુણેની સસૂન હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને ચેક-અપ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે પોલીસને હાથ-તાળી આપી રફુચક્કર થઈ ગયો હતો.
- ગેંગવોરાં ઠાર કરાયેલા શરદ મોહોળની પત્નીને ધમકી આપી હતી, ઓપીડીમાંથી ભાગ્યો
આ સંદર્ભે વધુ વિગતાનુસાર પુણેના કુખ્યાત ગેંગસ્ટર શરદ મોહોળની થોડા દિવસો પહેલાં દિવસે ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. મોહોળની હત્યા થયા બાદ તેની પત્ની સ્વાતિ મોહોળને આરોપી લીલાકાર સોશિયલ મીડિયા પર મુન્ના પોલેકરના નામે જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ બાબતે ફરિયાદ થયા બાદ પુણે સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપી લીલાકારને પકડી પાડયો હતો.
દરમિયાન રવિવારે સવારે લીલાકરે તેની છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ પોલીસને કર્યા બાદ સાયબર પોલીસ તેને મેડિકલ ચેકઅપ માટે સસૂન જનરલ હોસ્પિટલમાં લઈ આવી હતી. સવારે આઠ વાગ્યે તેને ઓપીડીમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તે પોલીસને હાથ- તાળી આપી ભાગી છૂટયો હતો.
આ ઘટનાને પગલે પોલીસ બેડાંમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની ગંભીરતા પારખી પોલીસે તેને પકડી પાડવા વિવિધ ટીમોની રચના કરી હતી. આ ઘટના બાદ લીલાકર સામે પુણેના બેડગાર્ડન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.