ગુલશન કુમાર હત્યા કેસનો આરોપી ડ્રગના કેસમાં ઝડપાયો
- ૬૪ ગ્રામ મેફેડ્રોન મળી આવતાં ધરપકડ
- હત્યા કેસમાં નિર્દોષ જાહેર થયેલો આરોપી મુંબ્રા અને ડાયઘરમાં લાંબા સમયથી ડ્રગ્સ વેચતો હતો
મુંબઇ : મુંબ્રા પોલીસે મેફેડ્રોન (એમડી) રાખવાના આરપોસર ૧૯૯૭ના ટી-સિરીઝના ગુલશનકુમારની હત્યા કેસના એક આરોપી એવા ઇમ્તિયાઝ મર્ચન્ટની ધરપકડ કરી હતી. ઇમ્તિયાઝ મર્ચન્ટ ગુલશનકુમાર હત્યા કેસના મુખ્ય દોષિત અબ્દુલ રઉફ મર્ચન્ટનો ભાઈ છે. ઇમ્તિયાઝ પાસેથી પોલીસે ૬૪ ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું.
આ સંદર્ભે મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ પોતે પણ ટિ-સિરીઝના સ્થાપક ગુલશનકુમારની ૧૯૯૭માં થયેલી હત્યાનો આરોપી હતો, પરંતુ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તે કથિત રીતે મુંબ્રા અને ડાયઘર પોલીસ સ્ટેશનની હદમાં લાંબા સમયથી ડ્રગ્સ વેચતો હતો. આ સંદર્ભે શિંદેએ જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ સામે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલે છે.