મૃતદેહ નહીં મળ્યો હોવાથી હત્યાના આરોપીને જામીનનો ઈનકાર

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
મૃતદેહ નહીં મળ્યો હોવાથી હત્યાના આરોપીને જામીનનો ઈનકાર 1 - image


બાન્દ્રામાં તબીબી  વિદ્યાર્થિનીની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી

સહ આરોપ મુખ્ય આરોપીના સંપર્કમાં છે અને  જામીન મળતાં સાક્ષીદાર પર દબાણ લવાય તેવી શક્યતા પણ કોર્ટે ધ્યાને લીધી

મુંબઈ :  તબીબી વિદ્યાર્થિનીની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈનકાર કરીને નોંધ કરી હતી કે મૃતકનો મૃતદેહ શોધવા પોલીસ તપાસ હજી ચાલુ છે.

એડિશનલ સેશન્સ જજ પ્રિયા બનકરે ત્રીજી ઓક્ટોબરે આરોપી અબ્દુલ અન્સારીને જામીન નકાર્યા હતા. હત્યા અને પુરાવા નષ્ટ કરવાના આરોપસર અન્સારીની ધરપકડ કરાઈ હતી. પોલીસે મુખ્ય આરોપી મિથુ સિંહ સાથે અન્સારીની ધરપકડ કરી હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક વિદ્યાર્થિની ૨૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ પરીક્ષા આપવા ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી પણ તે બાંદરા રેલવે સ્ટેશને ઉતરી હતી.  પરીક્ષા માટે હાજર રહી નહોતી પણ છેલ્લે બાંદરા બેન્ડસ્ટેન્ડમાં દેખાઈ હતી. યુવતી જ્યારે ઘરે આવી નહીં અને ફોન પર પણ તેનો સંપર્ક થઈ શક્યો નહીં ત્યારે તેના માતાપિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં જણાયુંહતું કે મૃતક મિથુ સિંહને મળી હતી અને તેની સાથે સેલ્ફી લીધી હતી.  સિંહ અને અન્સારી વચ્ચે ફોન પર વાચતચીત થઈ હતી જેમાં અન્સરીએ વાંધાજનક ભાષા વાપરીને સિંહને યુવતી સાથે મજા કરવા જણાવ્યું હતું.

અન્સારીને જાણ હતી કે સિંહ મૃતકને એ વિસ્તારમાં શા માટે લાવ્યો છે અને  સિંહે કરેલી હત્યા અને મૃતદેહના કરેલા નિકાલની જાણ પણ હોવાનું તપાસમાં જણાયું હોવાનું સરકારી વકિલે દલીલમાં જણાવ્યું હતું.

જો અન્સારીને જામીન અપાશે તો સાક્ષીદાર પર દબાણ લાવીને ધમકાવે એવી શક્યતા છે.ગુનામાં સિંહની સંડોવણી છે પણ અન્સારીએ મૃતદેહના નિકાલમાં કોઈ મદદ કરી હોવાનું રેકોર્ડ પર નથી, એમ દલીલ કરી હતી.


Google NewsGoogle News