બિગ બી ડીપફેક વિડિયો કેસમાં આરોપીને આગોતરા જામીન નકારાયા
ઉત્તરાખંડના આયુર્વેદિક દવાના પ્રચાર માટે સેલિબ્રીટીનો દુરુપયોગ
અભિજીત પાટિલને અગાઉ ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપવાનો પણ કોર્ટે ઈનકાર કર્યો હતો
મુંબઈ : અભિનેતા અમિતાભ બચ્ચનનો ડીપફેક વિડિયો તૈયાર કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ઉત્તરાખંડના ઋષિકેશમાં આયુર્વેદ કંપનીના માલિક અભિજીત પાટિલના આગોતરા જામીનની અરજી કોર્ટે નકારી કાઢી છે. અગાઉ તેને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપવાનો પણ કોર્ટે ઈનકાર કર્યો હતો.
સોશ્યલ મીડિયા પર અનેક ડીપફેક વિડિયો જોયા બાદ મેમાં બચ્ચને સાઈબર પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. વિડિયોમાં બચ્ચન પાટિલની કંપનીના પ્રોડક્ટનો પ્રચાર કરતા દર્શાવાયા હતા. જાતીય આરોગ્યના ઉત્પાદનો પ્રમોટ કરવા અભિનેતાના અશ્લીલ ડીપફેક વિડિયો તૈયાર કરીને પોસ્ટ કર્યાનો પણ આરોપ છે. ધરપકડના ભયે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી અને અરજીનો નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવાની માગણી કરી હતી.પોતાની સામેના આરોપો પાયાવિહોણા, ખોટા અને ઉપજાવેલા હોવાનું કહીને પોતે કોઈ ગુનો આચર્યો નહોવાનું જણાવ્યું હતું.
પોલીસે જવાબમાં જણાવ્યું હતું કે સેલિબ્રિટી અને અભિનેતાઓની ઓળખ ચોરીને અશ્લીલ વિડિયો બનાવવાના કેસમાં પણ જામીન મળી જશે એવી સાઈબર ક્રાઈમના આરોપીઓની માન્યતા હોય છે. આરોપીને રાહત અપાશે તો તપાસમાં બાધા આવશે. આરોપીએ જનતાને અને અભિનેતાના પ્રશંસકો સાથે ઠગાઈ કરી છે.
કોર્ટે આગોતરા જામીન અરજીની સુનાવણી મોકૂફ રાખી છે.પાટીલના કર્મચારીઓના નિવેદન પણ રેકોર્ડ કર્યા હતા. પાટિલને ચોથી જુલાઈએ સાઈબર પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ મોકલાવી હતી, આમ છતાં શહેરમાં આવીને પણ તેણે હાજરી પુરાવી નથી.